Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

રાજ્યના 165 તાલુકાઓમાં વરસાદ પડ્યો :સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં 6.5 ઇંચ ખાબક્યો

બોડેલીમાં 5.5 ઇંચ ,પાવી-જેતપુરમાં 5 ઇંચ , ધોરાજીમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ :રાજ્યના 35 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો

અમદાવાદ : હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણ રાજ્યભરમાં વરસાદ પડી રહ્યો છે. આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો. આજે રાજ્યના 165 તાલુકાઓમાં વરસાદ પડ્યો, જેમાં સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં 6.5 ઇંચ વરસાદ પડ્યો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો, તો પાવી-જેતપુરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. રાજકોટના ધોરાજીમાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ થયો છે. રાજ્યના 35 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

છોટાઉદેપુરના બોડેલીમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.બોડેલીના ઢોકલિયા વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે.. લોકોનાં ઘરોમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે.. જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું, જેના કારણે અહીં જનજીવન ખોરવાઈ ગયું છે.

છોટાઉદેપુરના બોડેલીમાં જાણે પૂર આવ્યું હોય તેવી ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે .કોતરોના પાણી આસપાસના વિસ્તારોમાં ઘૂસી ગયા છે.. કોતરો પાસે આવેલા વર્ધમાનનગર વિસ્તારમાં રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. લોકોના ઘરોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે.. પાણીનો પ્રવાહ વધતો જઈ રહ્યો હોવાના કારણે કેટલાક લોકો જીવ બચાવવા અગાશી પર અને બીજા માળ પર ચઢી ગયા છે.. જ્યારે કેટલાક લોકો પાણી ઓસરવાની રાહ જોઈને બેઠા છે.

(9:40 pm IST)