Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરા કારખાનામાં લૂંટ:લૂંટારૂઓ સાત લાખના હીરાની લૂંટ કરીને ફરાર

મોઢે રૂમાલ બાંધીને લૂંટારુઓ કારખાનામાં ઘુસ્યા :તીક્ષ્ણ હથિયારોથી ડરાવી કારખાનામાં રહેલ હીરાની લૂંટ કરી

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ અક્ષર ડાયમંડ બિલ્ડિંગમાં આવેલા એક હીરા કારખાનામાં   લૂંટની ઘટના સામે આવી છે.મોઢે રૂમાલ બાંધી ચાર જેટલા લૂંટારૂઓ કારખાનામાં પ્રવેશ કર્યો હતો.કારખાનેદાર અને કામ કરતાં કારીગરોને હથિયાર બતાવી અંદાજે સાત લાખના હીરાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા કાપોદ્રા સહિત ક્રાઈમ બ્રાન્ચ અને ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી

સુરતમાં વધુ એક હીરા વેપારી સાથે લૂંટની ઘટના સામે આવી છે. જેમાં સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી હીરાના વેપારી સાથે લૂંટની ઘટના બની છે. જેમાં રચના સર્કલથી કાપોદ્રા રોડ પર આવેલ અક્ષર ડાયમંડ હાઉસના બિલ્ડીંગ નંબર પાંચમાં હીરાનું કારખાનું ધરાવતા વેપારીને ત્યાં લૂંટ થઈ છે.ખાતા નંબર 101 માં વેપારી મનસુખભાઈ રવૈયા મોડી સાંજે કારખાનામાં હતા ત્યારે મોઢે રૂમાલ બાંધી ચાર જેટલા લૂંટારૂ આવ્યા હતા. લૂંટારૂઓ હીરા વેપારી મનસુખભાઈ તેના ભાગીદારો અને કારખાનામાં કામ કરતા કારીગરોને તીક્ષ્ણ હથિયારોથી ડરાવી કારખાનામાં રહેલ હીરાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

જ્યારે ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો.કાપોદ્રામાં હીરા વેપારી સાથે લૂંટની ઘટના બની હોવાની જાણ પોલીસને થતા કાપોદ્રા સહિત ડીસીબી અને ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાને લઈને વેપારી અને કારીગરોની પૂછપરછ સાથે તપાસ શરૂ કરી હતી. જ્યાં પોલીસને વેપારીએ જણાવ્યું હતું કે મોઢે રૂમાલ બાંધી ચાર જેટલા લૂંટારુઓ સાંજે 8:30 વાગ્યાની આસપાસ આવ્યા હતા. કારખાનામાં પોલિસીંગ માટે લાવવામાં આવેલા હીરા લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. લૂંટારૂઓ અંદાજે સાત લાખના હીરા કારખાનામાંથી લૂંટી નાસી છૂટ્યા હતા.હાલ તો ઘટના અંગે પોલીસે લૂંટની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આસપાસના સીસીટીવીના આધારે આરોપીની ઓળખ કરવાના અને તેના પગેરૂ સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(9:58 am IST)