Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

નિયમનું નાડુ પકડી રાખવું કે પ્રેકટીકલ બનવું? ગુજરાત પોલીસ દ્વિધામાં

રાત થોડી વેષ ઝાઝા, પીએમ પ્રોગ્રામ પૂર્ણ થયે કેન્‍દ્રીય ચૂંટણી પંચ ગુજરાત આવી ચૂંટણી જાહેર કરે તેવી બિન સતાવાર ચર્ચા સતાવાર બને તો થોડો સમય નિરાંતનો શ્વાસ મળે તેવી પોલીસ મનોમન પ્રાર્થના કરે છે : આંદોલન દિલ્‍હી સુધી લંબાવવાની આંદોલનકારીઓની ચીમકી સંદર્ભે સ્‍ટેટ આઇબી રિપોર્ટ બાદ કેન્‍દ્ર દ્વારા કૈલાશનાથનજીને આંદોલન પૂર્ણ કરાવવાની જવાબદારી સુપ્રત કર્યાની સોશ્‍યલ મિડીયાની ચર્ચાએ પોલીસને થોડી રાહત આપી : વિધાનસભાના દરવાજે બે દિવસ સુધી ખડે પગે રહેનાર પોલીસ તંત્રને વડાપ્રધાન બંદોબસ્‍ત, નવરાત્રી બંદોબસ્‍ત માટેની બેઠકોમાં જવું પડે છે : દિલ્‍હીના મુખ્‍યમંત્રી દ્વારા રીક્ષામાં બેસવાની માંગ કબૂલ રાખવા માટે ડ્રાઈવર બાજુમાં ન બેસવાના નિયમની જડતા બદલે ખુદ પોલિસ અધિકારી દ્વારા બાજુમાં બેસી ગુજરાતની અસ્‍મિતા ન ઝંખવાઈ તેવો રસ્‍તો લીધો

રાજકોટ, તા.૨૧:   ભારતીય જનતા પાર્ટી અને તેના સલાહકારોની ધારણા બહાર ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ જમાવડો કર્યો છે અને જે પ્રકારે લોકોના એક પછી એક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, તેવા સમયે ગુજરાતમાં વિવિધ સરકારી સંગઠનો દ્વારા વિવિધ માંગણીઓ સાથે ૨૨ જેટલા આંદોલન વિધાન સભાની ચૂંટણી નજીક છે તે સમયે જ જોર પકકડી રહ્યુ છે તેવામાં આ માંગણીનો અંત તુરંત ન આવ્‍યો તો આંદોલનની આગ દિલ્‍હી સુધી લંબાય તેવા ૨૪ કલાક એલર્ટ મોડમાં રહેતી સ્‍ટેટ આઇબી અને સેન્‍ટ્રલ આઇબી દ્વારા મળેલ રિપોર્ટ બાદ કેન્‍દ્રીય હાઇ કમાન્‍ડ પણ હવે સક્રિય બની આ આંદોલન સમેટવા માટે કેન્‍દ્રના વિશ્વાસુ એવા કે કે.ના નામથી જાણીતા મુખ્‍ય મંત્રીના વિશ્વાસુ સલાહકાર કૈલાશનાથનજી પર તાકીદના સંદેશા આવ્‍યાની ચર્ચા જોર પકકડ્‍યું છે.                              

આજથી શરૂ થયેલ વિધાનસભાના બે દિવસના સત્ર સંદર્ભે ગાંધીનગરમાં મહા યુદ્ધના મોરચા જેવી સ્‍થિત સર્જાયેલ છે, હવે આજ પોલીસ તંત્રને ગુજરાત આવતા વડાપ્રધાન માટે લોખંડી સુરક્ષા કરવાની છે, બીજી તરફ લોકોને માલધારી આંદોલનને કારણે અને દૂધબંધી વચ્‍ચે લોકોને દૂધ મળશે તેવી અમૂલ અને સુમુલ ડેરીની જાહેરાત બાદ ગત મધરાતે આ વ્‍યવસ્‍થા પોલીસ દ્વારા ગોઠવવામાં આવી, એટલુજ નહિ હવે સુરતના પોલીસ કમિશનર અજય કુમાર તોમર જેવા અધિકારીઓ તો પોલીસનો ઉત્‍સાહ વધારવા અને લોકો અને માલધારીઓ વચ્‍ચે ઘર્ષણ ન થાય તે માટે જાતે સાયકલ ર્પ એસ. ઓ જી પીઆઇ આર.એસ . સુવેરાં તથા અન્‍ય ટીમ સાથે મેદાને પડયા છે.                                 

પોલીસને પોતાના પરિવાર અને સમસ્‍યા ભૂલી આ બધા આંદોલન સાથે નવરાત્રી બંદોબસ્‍ત માટે પણ સજ્જ થવાનું છે,  વાત અહીથી અટકતી નથી, વિવિધ પક્ષના મહાનુભાવ પણ ગુજરાત વિધાન સભાની ચૂંટણી અંતર્ગત આવે છે, ત્‍યારે અરવિંદ કેજરીવાલ જેવા મુખ્‍ય મંત્રી લેવલના નેતાનો પ્રોટોકોલ જાળવવાનો હોય છે, જયારે રીક્ષામાં બેસીને રીક્ષા વાળાને ઘેર જવાની વાત કરે ત્‍યારે નિયમનું નાડું પકડવું કે પ્રેકિટકલ બનવું તે પોલીસ તંત્ર માટે કસોટી રૂપ બને છે, પોલીસ તંત્રના મોટા ભાગના લોકો હવે આ ધારા સભાની ચૂંટણી સુધી કોઈ બિન જરૂરી વિવાદમા ન આવું પદે તેની ચિંતામા છે, દરમિયાન કેન્‍દ્રીય ચૂંટણી પંચ વડાપ્રધાનના આગમન બાદ ગુજરાત આવી ચૂંટણી જાહેર કરવાના નિર્ણય કરે તેવી જે ચર્ચા ચાલે છે તે યથાર્થ ઠરે તો પોલીસના પગને આરામ મળે તેવી લાગણી પ્રવર્તવા સાથે ફરજ નિષ્‍ઠામાં જરા પણ પાછી પાની નહિ કરવા સંકલ્‍પ થયો છે.

(3:44 pm IST)