Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

‘હિન્‍દી દિવસ' ઉપર IPS અજય તોમરનું ‘ઉત્‍પતિથી સંવર્ધન' સુધીનું મનનીય કથાજ્ઞાન

ગુન્‍હાખોરી ઉપર પકડ ધરાવનાર અજય તોમરની હિન્‍દી ભાષા ઉપરની અદ્‌ભુત પકડ વિશે પ્રથમ વખત જાણકારી મળી : મુદ્દો ટપકાવ્‍યા વગરની હિન્‍દી ભાષા વિશેની અસ્‍ખલીત વાણી અજયકુમાર તોમરે વહાવતા ઉપસ્‍થિત કવિઓ-લેખકો અને ફિલ્‍મ પ્રોડયુસર-ડાયરેકટર મહેશ માંજરેકર સહિતના શ્રોતાઓ દંગ રહી ગયા : હમને સિંચા હૈ અપને ખુન સે ચમન, પત્તે પત્તે સે આસ્‍કારા હૈ, નિયતે બાગબાન દુરસ્‍ત નહિ, વરના ગુલશન પે હક્ક હમારા હૈ'

(જયદેવસિંહ જાડેજા દ્વારા)

રાજકોટ, તા., ૨૧: તાજેતરમાં સુરત ખાતે ‘હિન્‍દી દિવસ' નિમિતે યોજાયેલા કાર્યક્રમમાં બોલતા રાષ્‍ટ્રભાષા હિન્‍દીની ઉત્‍પતિથી સંવધર્ન સુધીનું મનનીય કથાજ્ઞાન  આઇપીએસ અજયકુમાર તોમરે વહાવ્‍યું હતું. જુદા-જુદા કાળમાં કવિઓ-લેખકો-ફિલ્‍મો દ્વારા હિન્‍દી ભાષાના સંવર્ધન માટે થયેલા  શ્રેણીબધ્‍ધ પ્રયાસો, આઝાદીની લડતમાં હિન્‍દી ભાષાના ઉપયોગ થકી નાટકો અને લેખો દ્વારા થયેલા પ્રહારો અને ચળવળો ચલાવનાર લેખકોના ભાષાકીય યોગદાનનો કાળક્રમ વર્ણવી શ્રી તોમરે હિન્‍દી દિને પૂજારૂપી જ્ઞાનપુષ્‍પ અર્પણ કર્યા હતા.

રાજકોટ જીલ્લા પોલીસ વડા તરીકેના  કાર્યકાળ દરમિયાન બનેલા સંપર્ક સુત્રોમાં તેમની બદલી બાદ સમયાંતરે અંતર આવતુ ગયું હતું. કાયદા-વ્‍યવસ્‍થા ઉપર પકડ રાખવાની તેમની શકિતથી હું વાકેફ છું. આ ઉપરાંત તેમના નિત્‍યક્રમમાં વણી લેવાયેલી  યોગીક ક્રિયાઓના જ્ઞાનથી પણ વાકેફ હતો. પરંતુ તાજેતરમાં હિન્‍દી ભાષા ઉપર તેમણે આપેલા અદ્‌ભુત પ્રવચનથી તેમની ભાષાકીય  ઉંડાઇ વિશે પ્રથમ વખત  માહિતગાર બન્‍યો.

મંચ પરથી બોલતા શ્રી તોમરે જણાવ્‍યું કે, મારી હાજરી એ અકસ્‍માત છે. મને જયારે કાર્યક્રમ વિશે માહીતી મળી અને આમંત્રણ મળ્‍યું ત્‍યારે થયું હિન્‍દીમાંથી હું આવુ છું. હિન્‍દી ઉપર હું પણ બોલી શકું! ‘હમને સિંચા હૈ અપને ખુન સે ચમન, પત્તે પત્તે સે આસ્‍કારા હૈ, નિયતે બાગબાન દુરસ્‍ત નહિ, વરના ગુલશન પે હક્ક હમારા હૈ'... જેવી કાવ્‍ય પંકિતઓ રજુ કરી તાળીઓનો ગડગડાટ કરાવી દેનાર તોમરે જણાવ્‍યું કે છેલ્લા ૩ર વર્ષથી હું ગુજરાતમાં રહું છું. મારી આઇપીએસ કેડર ગુજરાત રાજય છે. મારો જન્‍મ હરીયાણાના હસ્‍તીનાપુર પાસેના પૈત્રુક ગામડામાં થયો હતો. હરીયાણવી અને ખડી બોલી મેરઠી હિન્‍દી રોજબરોજની બોલી હતી. એ વખતે આકાશવાણીની હિન્‍દી સેવા ઉપર અનુપમ સાહિત્‍યીક કૃતીઓ સાંભળવા  મળતી. ઉડીયા સાહિત્‍યકાર રચીત ‘એક ગીત કી મોત' સાંભળી હિન્‍દીની રાષ્‍ટ્રીય કક્ષાથી વિશ્વ ફલક સુધીની અનુભુતી શરૂ થઇ હતી. ખેતી કરતા અને શષાદળોમાં જતા પરિવારના સંતાન માટે હિન્‍દી સાહિત્‍ય લખવા-વાંચવાની, જ્ઞાન મેળવવાની જે યાત્રાનો આરંભ થયો તે આજ દિવસ સુધી યથાવત છે.

સર્વ વિદિત છે કે ‘હિન્‍દી'ની જનની સંસ્‍કૃત છે.  ૧પ૦૦ ઇ.સી.થી પ૦૦ ઇ.સી. પુર્વે સંસ્‍કૃતનો ઉપયોગ વૈદિક અને લૌકીક એમ બે સ્‍વરૂપોમાં શરૂ થયો. વ્‍યાકરણોના પંડીત વૈજ્ઞાનિક ઢબે સંસ્‍કૃત લખતા-બોલતા તે વૈદિક સ્‍વરૂપ હતું. જયારે આમ આદમીની પુર્વી, મધ્‍ય અને પુર્વોત્તર ભારતની બોલી તે લૌકીક સ્‍વરૂપ હતું. સંસ્‍કૃતને અઘરી ભાષા ગણવામાં આવતી હતી. અમારા સંસ્‍કૃત ભણાવતા શિક્ષક અમને કહેતા કે ‘બદામ-કાજુ ખાવાવાળાની આ ભાષા છે, બાજરો ખાવાવાળાની નહિ' ! ૫૦૦ ઇ.સી.થી ૧ લી ઇ.સી. સુધીમાં સંસ્‍કૃતે ‘પાલી'નું સ્‍વરૂપ લઇ લીધું. મહાત્‍મા બુધ્‍ધે આ ભાષાનો ઉપયોગ કર્યો.  આમ આદમીની પ્રાકૃત ભાષાએ ત્‍યર બાદ અભ્રંશ અને અવહટ સ્‍વરૂપ ધારણ કર્યુ. પ્રાચીન જૈન સાહિત્‍ય રાજસ્‍થાન અને ગુજરાતમાં વાંચવા-સાંભળવા મળ્‍યું. હું માનુ છું કે હિન્‍દીનું પ્રાચીન સ્‍વરૂપ જૈન મુનીઓના સાહિત્‍યમાં દેખાય છે. ત્‍યાર બાદ દર્શન દ્રષ્‍ટી અને આધ્‍યાત્‍મીક દ્રષ્‍ટિથી ધર્મની કુરીતીઓ ઉપર ભયંકર કુંઠારાઘાત કરનાર કબીરનો સમય શરૂ થયો. કબીરની ભાષા વિચિત્ર હતી. પંડીત હજારીપ્રસાદ દ્વિવેદીએ કહયું કે, કબીર ભાષાના ડીકટેકટર હતા. તેઓ જે કહેવા-સમજાવવા માંગતા તે તોડી-મરોડી કહી દેતા હતા. ‘પ્રેમ ન બાડી ઉપજે, પ્રેમ ન હાટ વેચાય, રાજા-પ્રજા જહીં રૂચે શીશ દેહી લે જાય'... પંકિત થકી કબીરની ભાષા ઉપર તોમરે પ્રકાશ પાડયો હતો.

 વધુમાં તોમરે જણાવ્‍યું કે, ત્‍યાર બાદ હિન્‍દીના મહાકવિ તુલસીદાસનો કાળ પ્રારંભ થયો. રામચરિત માનસ થકી હિન્‍દી ભાષા માટે તેમનું મહાનતમ યોગદાન રહયું છે.  ‘રાધા' નામથી રસધાર વહાવનાર મૈથીલના મહાકવિઓનો ઉલ્લેખ કરતા તેઓએ જણાવ્‍યુ કે હિન્‍દી સીનેમા પહેલા જે બે કવિઓએ હિન્‍દીના સંવર્ધનમાં યોગદાન આપ્‍યું તેમાં ભારતેન્‍દુ હરીશચંદ્રનું સ્‍થાન મહત્‍વનું રહયું છે. અંધરી નગરી અને ભારત દુર્દશા નામના તેમના સર્જનોએ છુપી રીતે અંગ્રેજ શાસન ઉપર વાર કર્યા હતા.

આમ હિન્‍દી ભાષાનું  સ્‍વતંત્રતાની ચળવળમાં યોગદાન વર્ણવતા તોમરે જણાવ્‍યું કે, ૧૮૬૧માં જન્‍મેલા દેવકીનંદન ખત્રી ઉર્દુના જાણીતા-માનીતા સાહિત્‍યકાર હતા. એ કાળમાં ગાલીબ અને મીર આવી ચુકયા હતા. ઉર્દુ હિન્‍દીથી જરાપણ અલગ નથી. પヘમિ મધ્‍ય એશીયાથી આવતા લોકોની બોલી ઉર્દુ હતી અને હિન્‍દુસ્‍તાનમાં  ઉર્દુ  બોલી પણ અસ્‍તિત્‍વમાં હતી. ઉપન્‍યાસ ‘ચંદ્રકાંતા' અને ‘કુસુમદેવી' ઉર્દુ મિશ્રીત હિન્‍દી શીખવી જતા હતા. મહાકવિ મૈથીલીશરણ ગુપ્તે હિન્‍દી ભાષામાં સૌષ્‍ઠવ અને અભિવ્‍યકિતની શું સંભાવના રહેલી છે . તે વિષે પ્રકાશ પાડયો હતો. હિન્‍દી પંક્‍તિ ‘‘હમ કૌન થે, કયા હો ગયે, કયા હોગે... આવો વિચારે સંસાર કી યે સમસ્‍યા''.... થકી વર્તમાન કાળની અવદશા  સમજાવી જાય છે. ઉર્દૂ લેખક પ્રેમચંદ  પાછળથી હિન્‍દી લેખક તરીકે જાણીતા બન્‍યા હતા ‘‘માનસરોવર'' ભાગ-૧ થી ૮ તેમની વાર્તાઓનું સંકલન છે. જે  હિન્‍દીની જ્ઞાન ધરાવનાર કોઇ વાંચકે વાંચ્‍યું ન હોય, સાંભળ્‍યુ ન હોય તેવું બને નહીં. મનોવૈજ્ઞાનિક કથાઓ લખવાવાળા પ્રેમચંદ આંતરરાષ્‍ટ્રીય લેખકો ઓસ્‍કાર વાઇલ્‍ડ, ઓ'હેનરી, સમરસેટ મોમથી જરાય ઉતરતા લેખક ન હતા.

ત્‍યારબાદ ૧૯૪૦-પ૦ ના દશકમાં એકબાજુ લતાજીના ગીતોનો કાર્યક્રમ ચાલતો હોય અને બીજી બાજુ કવિ નિરજનો કાર્યક્રમ હોય તો લોકો નિરજને સાંભળવા દોરી જતા હતા. આઝાદીથી અત્‍યાર સુધીમાં રાજભાષા વિભાગ દ્વારા લખાયેલો કોઇપણ પત્ર એ હિન્‍દી સિનેમા જેવી છાપ લોકોના માનસપટલ ઉપર છોડી નથી. ફિલ્‍મોનું હિન્‍દી પ્રચાર-પ્રસારમાં અદ્‌્‌ભૂત યોગદાન રહેલું છે. સાહિત્‍યિક કૃતિઓથી જ ન થઇ શકયું તે હિન્‍દી ફિલ્‍મોએ કરી બતાવ્‍યુ઼. ભારત આઝાદ થયુ ત્‍યારે રાષ્‍ટ્રીય ચેતનાનો  વિકાસ કરવામાં હિન્‍દી ફિલ્‍મોનો ફાળો સીમાચિન્‍હ રૂપ રહ્યો છે. તેવું અંતમાં અજય તોમરે જણાવ્‍યું હતું.

આગવી શૈલીમાં હિન્‍દી ભાષા વિષેનું જ્ઞાન  સ્‍ટેજ પરથી  શ્રી અજયકુમાર તોમરે વહાવતા હિન્‍દી ફિલ્‍મોના સર્જક મહેશ માંજરેકર પણ દંગ રહી ગયા હતા. માંજેરકરે પોતાનું પ્રવચન આપતા જણાવ્‍યું કે શ્રીમાન અજયકુમાર તોમરને સાંભળી એવું થાય છે કે હું તેમના જ્ઞાનનું ર ટકા જ્ઞાન પણ ધરાવતો નથી. હું અહીંયા શુંકામ છું ? તેવો પ્રશ્ન થઇ રહ્યો છે. આમ અજયકુમાર તોમરને સાંભળીને હિન્‍દી કવિઓ-લેખકો-શ્રોતાઓ એ હિન્‍દી ભાષાની અદ્‌્‌ભૂત સફર માણ્‍યાનો આનંદ અનુભવ્‍યો હતો.

(3:57 pm IST)