Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

ડાંગ જિલ્લામાં 2 દિવસથી પડતા ભારે વરસાદથી અનેક ગામો સંપર્ક વિહોણાઃ હજારો લોકો ફસાઇ ગયાઃ 20 કોઝ-વે ઉપર પાણી ફરી વળ્‍યા

નીચાણવાળા વિસ્‍તારો અને રસ્‍તાઓ ઉપર પાણી ભરાઇ જતા લોકોને ચેતવણી

ડાંગઃ ડાંગ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીઓમાં પુર આવતા જિલ્લાના 20 જેટલા નાના-મોટા કોઝ વે પર પાણી ફરી વળતા અનેક રસ્‍તાઓ બંધ થયા હતા.

જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદ સાથે ઉપરવામાં પણ ભારે વરસાદને કારણે ડાંગ જિલ્લાની મુખ્ય નદીઓમાં ઘોડાપૂર જોવા મળ્યા છે. ધસમસતા પાણીને કારણે જિલ્લામાં 20થી વધુ નાના મોટા કોઝવે ઉપર પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા જ્યારે હજારો લોકો અટવાઈ પડ્યા હતા.

ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. પાછોતરા વરસાદને પગલે ખેડૂતોને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. જ્યારે સામાન્ય જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. ગ્રામ્ય વિસ્તારોમા ત્રણ પશુના પણ મૃત્યુ નોંધાયા છે. સતત વરસાદને લીધે જિલ્લાના અંતરિયાળ વિસ્તારના માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. આ વરસાદને પગલે જિલ્લાના 20 જેટલા લો લેવલ કોઝ વે, અને નીચાણવાળા માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખી આ તમામ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. રાહદારીઓ, પશુપાલકો તથા વાહન ચાલકોને આ માર્ગો ને બદલે, તંત્ર એ સૂચવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હજારો લોકો અટવાયા

જિલ્લના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને નદીઓમાં આવેલ ઘોડાપૂરને લીધે ૨૦ જેટલા લોલેવલના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા. જેમાં મુખ્ય સતી-વાંગણ-કુતરનાચ્યા રોડ, નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ, ઘોડવહળ વી.એ.રોડ,  ખાતળ ફાટકથી ઘોડી રોડ, માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ, ઢાઢરા વી.એ.રોડ, વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, સાથે દુલધા, કરંજપાડા, બંધપાડા જેવા મુખ્ય કોઝવે સહિત અનેક નાના મોટા માર્ગો અવરોધાતા ડાંગ જીલ્લાના હજારો માણસો અટવાઈ પડ્યા હતા. ગીરા નદીમાં અચાનક આવેલ ઘોડાપૂર ને કારણે અટવાઈ પડેલ લોકોએ પોતાના જીવના જોખમે નદીમાંથી પસાર થવું પડ્યું હતું જ્યારે મહિલાઓ અને બાળકોએ નદીમાં પાણી ઓસરે ત્યાં સુધી રાહ જોવી પડી હતી

દર વર્ષ કરતા આ ચોમાસામાં વરસાદ નું પ્રમાણ વધુ રહેતા ખાસ કરીને સુબિર તાલુકામાં પરિસ્થિતિ વધુ વિકટ બની છે. જોકે લોકોની ફરિયાદ ને લઈને સુબિર તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ ગામીતે કહ્યું હતું કે દુલધા અને બંધપાડા ખાતે પૂલ મંજૂર થઈ ગયો છે અને ટેંન્ડરીગ પણ થઈ ચૂક્યું છે ત્યારે વરસાદ બંધ પડતાજ આ પૂલનું કામ શરૂ થશે અને લોકોને પડતી સમસ્યાનો કાયમી નિકાલ આવશે.

(4:51 pm IST)