Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

સુરતમાં અગાઉ 9 વર્ષીય બાળકીના શરીર પર બચકા ભરનાર 65 વર્ષીય વૃદ્ધને અદાલતે 7 વર્ષની સજાની સુનવણી કરી

સુરત:શહેરમાં ત્રણેક વર્ષ વર્ષ પહેલાં કવાસ ગામમાં પાડોશમાં ભાડે રહેતી તથા ઘરે ટીવી જોવા આવેલી 9 વર્ષની બાળકી પર જાતીય હુમલો કરનાર 65 વર્ષીય આરોપી સિક્યોરીટીમેનને આજે પોક્સો કેસોની ખાસ અદાલતે તમામ ગુનામાં દોષી ઠેરવી પોક્સો એક્ટના ભંગ તથા ઈપીકો-354(બી)ના ગુનામાં સાત  વર્ષની સખ્તકેદ, રૃ.10 હજારનો દંડ ન ભરે તો વધુ 12 માસની કેદ તથા ભોગ બનનારને ૧ લાખ વળતર ચુકવવાનો નિર્દેશ આપતો હુકમ કર્યો છે.કવાસ ગામમાં બાપા સીતારામ સોસાયટીમાં રહેતા તથા સિક્યોરીટીમાં નોકરી કરતાં 65 વર્ષીય આરોપી મહેન્દ્રસિંગ રામશરુસીંગ રાજપુતના ઘરે પાડોશમાં રહેતી ફરિયાદી મહીલાની 9 વર્ષની પુત્રી તા.11-8-19ના રોજ ટીવી જોવા ગઈ હતી. ત્યારે તેને અટકાયતમાં રાખીને આરોપીએ બાળાના ગાલ તથા છાતી પર દાંતથી બચકા ભરીને તેના કપડા ઉતારીને જાતીય હુમલો કર્યો હતો. દરમિયાન પુત્રીને શોધતી માતા ત્યાં આવી ચડતા બાળાએ રડતા-રડતા સમગ્ર મામલો વર્ણવ્યો હતો. માતાએ આરોપીને, કેમ મારી છોકરી સાથે આવું કર્યં ? પુછતા આરોપીએ હલ્લા મત કરો જો હોગા હમ સમજ લેંગે કહીને દરવાજો બંધ કરી  દીધો હતો. બાળાની માતાએ પતિ અને આસપાસના લોકોને આ અંગે જણાવ્યા બાદ ઈચ્છાપોર પોલીસમાં આરોપી  વિરુધ્ધ ઈપીકો-354(બી),342,પોક્સો એક્ટની કલમ 10 ના ભંગ બદલ ફરિયાદ નોંધાવી હતી. જેલભેગા  કરાયેલા આરોપી વિરુધ્ધના કેસની આજે અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એપીપી દિપેશ દવેએ કુલ 27 સાક્ષીઓ તથા દસ્તાવેજી પુરાવા રજુ કર્યા બાદ કોર્ટે આરોપીને ઉપરોક્ત તમામ ગુનામાં દોષી ઠેરવ્યા હતા.

(5:23 pm IST)