Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

અમદાવામાં યુવકના ઘર પર પથ્થરમારો કરવામાં આવતા ગુનો દાખલ

અમદાવાદ: અંહીયા દારૂ વેચાય છે તેમ કહેનાર યુવકના ઘર પર ટી સ્ટોલ માલિકે સાગરીતો સાથે મળીને હુમલો કર્યો હતો. સોમવારે મોડી રાત્રે ન્યુ રાણીપના રવિ ટેનામેન્ટમાં બનેલી ઘટના અંગે સાબરમતી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ યુવકના ઘરે જઈ તેના અપશબ્દો બોલીને પથ્થરમારો કરી પાઈપ અને લાકડીઓથી ક્રેટા કારના કાચ તોડી નાંખ્યા હતા.  બોપલ ખાતે પોતાની ફર્મ ધરાવીને આઈટી કંપનીનું કામ કરતા નિર્સગ ગોવિંદભાઈ પટેલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં બબલુ ઉર્ફ બબુ, બાબુ દેસાઈ અને અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરીછે. જે મુજબ સોમવારે સવારે ફરિયાદી તેના પિતાને પ્રમુખ ચાર રસ્તા પર બબલુની ચાની કીટલી પર બોલાવવા માટે ગયા હતા. તે સમયે ત્યાં હાજર પિતાને ફરિયાદીએ કહ્યું કે તમે કેમ અંહિયા બેસો છો, અંહી દારૂ વેચાય છે. હું હવે પોલીસને ફોન કરી દઈશ. આ શબ્દો સાંભળીને ટી સ્ટોલનો માલિક બબલુ ફરિયાદી નિર્સગને દંડો લઈને મારવા દોડયો અને દારૂ ન વેચાતો હોવાનું જણાવ્યું હતું. ફરિયાદીએ દંડો લઈને નીચે ફેંકી દીધો બાદમાં પિતા સાથે પોતાના ઘરે આવી ગયા હતા. આ બાબતની અદાવત રાખીને રાત્રીના ૧૧ વાગ્યે બબલુ, તેનો સાગરીત બાબુ દેસાઈ સહિતના શખ્સો ફરિયાદીની સોસાયટીમાં પહોંચ્યા હતા. આરોપીઓએ ફરિયાદી અને તેના પિતાને અપશબ્દો બોલીને ક્રેટા કારના કાચ લાકડી અને પાઈપો મારી તોડી નાંખ્યા હતા. ફરિયાદીએ આરોપીઓનો વીડિયો બનાવતા હુમલાખોરોએ ઘર પર પથ્થમારો કરી કાચ ફોડી નાંખ્યા હતા. બનાવ અંગે નિર્સગભાઈએ સાબરમતી પોલીસે સ્ટેશનમાં તોડફોડ કરી અઢી લાખનું નુકશાન તેમજ અપશબ્દો બોલી ધાકધમકી આપતા આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ કરી છે. 

(5:23 pm IST)