Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

સરકાર પાછી ભેરવાઈ :એસટીના કર્મચારીઓને યુનિયનના નિર્ણયને અસ્વીકાર્ય :માત્ર 3 જ કલાકમાં સ્થિતિ પલટાઈ ગઈ

એસટી નિગમના વિવિધ યુનિયન સાથે તેમની ગ્રેડ પે, મોંઘવારી ભથ્થા સહિતની 25 જેટલી માગણીઓ અંગે ચર્ચા થઈ હતી

ગાંધીનગર :એસટી નિગમના કર્મચારીઓના આંદોલનનો અંત આવ્યો હતો અને તેને આંદોલનોના ચક્રવ્યૂહને તોડવામાં સરકારને સફળતા મળવાની શરૂઆત માનવામાં આવી હતી. જોકે એસટીના કર્મચારીઓએ યુનિયનના નિર્ણયનો અસ્વીકાર કર્યો છે અને માત્ર 3 જ કલાકમાં સ્થિતિ પલટાઈ ગઈ છે.

રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશ મોદી અને એસટી નિગમના કર્મચારીઓ વચ્ચે અડધી રાતે બેઠક યોજાઈ હતી જેમાં એસટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. બેઠકમાં એસટી નિગમના વિવિધ યુનિયન સાથે તેમની ગ્રેડ પે, મોંઘવારી ભથ્થા સહિતની 25 જેટલી માગણીઓ અંગે ચર્ચા થઈ હતી અને આશરે 7 કલાક સુધી ચાલેલી બેઠકમાં તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

પૂર્ણેશ મોદીએ રાજ્ય સરકારના GRTC નિગમ હસ્તકના કર્મચારીઓને મળતા ભથ્થામાં રાજ્ય સરકાર દ્વારા નોંધપાત્ર વધારો કરવાની ખાતરી આપી હતી. સાથે જ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ એસટી નિગમના કર્મચારીઓની જે રજૂઆતો હતી તેને ધ્યાને લઈને ત્રણેય માન્ય યુનિયનોના હોદ્દેદારો સાથે બેઠક બાદ તમામની સહમતીથી માંગણીઓના હકારાત્મક ઉકેલ તેમજ પગારમાં વધારો કરવાના મહત્વના નિર્ણયની જાહેરાત કરી હતી.

(6:32 pm IST)