Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

તિસ્તા સેતલવાડ કેસમાં SITની ટીમે ફાઈલ કરી 100થી વધુ પેજની ચાર્જશીટ

તત્કાલીન સરકારને બદનામ કરવાનું ષડયંત્ર, તિસ્તા સેતલવાડ દ્વારા ખોટા પુરાવા ઊભા કર્યાનો ચાર્જશીટમાં ઉલ્લેખ

તિસ્તા સેતલવાડ કેસમાં તપાસ કરી રહેલી ખાસ તાપસ ટીમ એટલે કે SITએ તિસ્તા  સેતલવાડ સામે ચાર્જશીટ દાખલ કરી છે.  પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમાર, તિસ્તા શેતલવાડ અને સંજીવ ભટ્ટ સામે પણ કેસ ચાલશે.  તત્કાલીન સરકારને બદનામ કરવાનું ષડયંત્ર, તિસ્તા સેતલવાડ દ્વારા ખોટા પુરાવા ઊભા કર્યાનો ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ કેસની તાપસ કરી રહેલી SITએ પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમાર, તિસ્તા શેતલવાડ અને સંજીવ ભટ્ટ આ 3 આરોપી સામે કોર્ટમાં 100થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં 30થી વધુ દસ્તાવેજી પુરાવાનો સમાવેશ કરાયો છે.

સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ જેલમાંથી બહાર આવી છે. સુપ્રીમ કોર્ટે તેને વચગાળાના જામીન આપ્યા હતા. 2002ના ગુજરાત રમખાણોના મામલામાં નિર્દોષ લોકોને ફસાવવા માટે કથિત રીતે દસ્તાવેજો બનાવવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તિસ્તા સેતલવાડે તપાસમાં સંપૂર્ણ સહકાર આપવો પડશે. કોર્ટે તિસ્તાને તેનો પાસપોર્ટ સરેન્ડર કરવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તેણે આ મામલાને વચગાળાના જામીનના દૃષ્ટિકોણથી જ ધ્યાનમાં લીધો છે.

ગુજરાત હાઈકોર્ટ તિસ્તા સેતલવાડની જામીન અરજી પર સ્વતંત્ર રીતે નિર્ણય કરશે અને આ કોર્ટ દ્વારા કરવામાં આવેલી કોઈપણ ટિપ્પણીથી પ્રભાવિત થશે નહીં.

(8:19 pm IST)