Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

અમદાવાદમાં હની ટ્રેપ: મહિલાએ કાપડના વેપારીને બિઝનેસ ડીલના બહાને ફોન કરી ફ્લેટ પર બોલાવ્યો

વેપારી અંદર આવતા જ મહિલાએ ફ્લેટનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને વાતચીત શરૂ કરી. થોડા વારમાં ફ્લેટનો દરવાજો ખખડ્યો

અમદાવાદ ; અમદાવાદમાં હની ટ્રેપનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે, સોનીની ચાલ પાસે લેડીઝ ડ્રેસ મટિરિયલનો ધંધો કરતા વેપારી પાસે સુરતથી શ્રુતિ નામની એક મહિલા તાજેતરમાં ડ્રેસ જોવા માટે આવી. તેણે ડ્રેસના બિઝનેસ માટે ડ્રેસિસ ખરીદવા છે તેમ કહીને વેપારીનો મોબાઈલ નંબર લીધો અને જતી રહી.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, શહેરના બાપુનગર પાસે કાપડના વેપાર કરતા યુવકને એક મહિલાએ હની ટ્રેપનો શિકાર બનાવ્યો છે. આ મહિલા વેપારીની દુકાનમાં કાપડ લેવા માટે આવી હતી અને તેની પાસેથી તેનો નંબર લઈને જતી રહી હતી. થોડા દિવસ બાદ મહિલાએ વેપારીને ફોન કરીને ડ્રેસના મટિરિયલના પોસ્ટર ફોટા લઈ આવવા જણાવ્યું, પરંતુ વેપારીએ પોતે વ્યસ્ત હોવાનું કહીને મુલાકાતને ટાળી દીધી. ત્યારબાદ સ્વરૂપવાન મહિલાએ ગમે તે યુક્તિ વાપરીને વેપારીને બિઝનેસ ડીલ માટે એક ફ્લેટમાં બોલાવ્યો. વેપારી પણ બિઝનેસ મળવાની લાલચમાં મહિલાએ બોલાવેલા ફ્લેટ પર પહોંચી ગયો.

વેપારી અંદર આવતા જ શ્રુતિએ ફ્લેટનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને વાતચીત શરૂ કરી. થોડા વારમાં ફ્લેટનો દરવાજો ખખડ્યો. દરવાજા પર બે વ્યક્તિ ઉભી હતી જેમણે પોતાની ઓળખ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી અને અનૈતિક ધંધો કરવાનો આરોપ મુકીને વેપારીને માર માર્યો તથા દસ લાખ રૂપિયા માંગ્યા. અંતે ચાર લાખ રૂપિયામાં સેટલમેન્ટની વાત કરી.

વેપારી ચાર લાખ રૂપિયા આપવા તૈયાર થઈ ગયો. પરંતુ આટલા રૂપિયા લેવા દુકાને જવું પડશે તેવું કહેતા આ ગેંગના સભ્યોમાંથી બે સભ્યો વેપારીને ગાડી બેસાડીને વેપારીની દુકાને લઈ ગયા જ્યાં વેપારીએ પોતાના દીકરાને સમગ્ર હકીકત જણાવી હતી.

આ જ સમયે વેપારીએ ચતુરાઈ કરી અને રૂપિયાની સગવડ કરવા જવું પડશે તેમ કહીને છટકી ગયો. તે સીધો પોતાના વકીલ પાસે ગયો અને પોલીસ ફરિયાદ દાખલ કરી. આ મામલે પોલીસે નરેશ અને અરવિંદ નામના લોકોની ધરપકડ કરી છે. બાકીના ફરાર આરોપીઓની ધરપકડ કરવામાં માટે તપાસ હાથ ધરી છે.

(10:23 pm IST)