Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું રાત્રે ૯:૩૦ કલાકે અવસાન: રામાનંદ સાગરની રામાયણમાં નિષાદ રાજની ભૂમિકા ભજવેલી

ગુજરાતી ફિલ્મજગતમા 100 કરતા પણ વધુ ફિલ્મો, ગુજરાતી ટેલિવિઝનની સામાજિક, ધાર્મિક સિરિયલોમાં કામ કરતાં પીઢ અભિનેતા ચંદ્રકાન્ત પંડ્યાને નાનપણથી જ નાટકોમાં રસ :: કાદુ મકરાણી ફિલ્મથી બ્રેક મળ્યા બાદ તેમણે અભિનયમાં પાછું વળીને જોયું નથી.

અમદાવાદ : ગુજરાતી ફિલ્મજગતના એક ખુબ જ જાણીતા અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું આજ રોજ રાત્રે ૯:૩૦ કલાકે અવસાન થયું છે.

ગુજરાતી ફિલ્મજગતમા 100 કરતા પણ વધુ ફિલ્મો, ગુજરાતી ટેલિવિઝનની સામાજિક, ધાર્મિક સિરિયલોમાં કામ કરતાં પીઢ અભિનેતા ચંદ્રકાન્ત પંડ્યા આજે આપણી વચ્ચે નથી રહ્યા. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ગામે આ દિગ્ગજ કલાકાર 1-1-1946ના રોજ જન્મ્યા હતા. બાળપણથી જ તેમને નાટકોમાં ખુબ જ રસ હતો. બીએ સુધી અભ્યાસ કર્યા બાદ મુંબઈમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીએ તેમને નાટકોમાં કામ કરવાની તક અપાવી હતી. કાદુ મકરાણી ફિલ્મથી બ્રેક મળ્યા બાદ તેમણે અભિનયમાં પાછું વળીને જોયું નથી. ગુજરાતી ફિલ્મ ઉધોગના 70 થી 90ના સમયગાળામાં જ્યારે સુવર્ણકાળ હતો.

આ દિગ્ગજ કલાકારે પોતાની કારકિર્દીમા અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કીરીને લોકોને મનોરંજન પૂરુ પાડ્યુ છે. આ સિવાય તેમણે રામાનંદ સાગરની રામાયણમાં પણ નિષાદરાજની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવેલી છે. ત્યારે હાલ સૌ કોઈની આંખોમાં અશ્રુ લાવીને આ દિગ્ગજ કલાકાર દુનિયાથી વિદાય લઇ ચુક્યા છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

(12:34 am IST)