Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

રામાયણમાં નિષાદ રાજની ભૂમિકા કરનાર ગુજરાતી અભિનેતા ચંદ્રકાંત પંડયાનું નિધન

ગુજરાતી ફિલ્‍મ જગતમાં ૧૦૦થી વધુ ફિલ્‍મો, ગુજરાતી ટેલિવિઝનની અનેક સામાજિક, ધાર્મિક સિરિયલોમાં કામ કર્યુ

 

મુંબઇ,તા. ૨૧: ગુજરાતી ફિલ્‍મોના જાણીતા અભિનેતા ચંદ્રકાંત પંડ્‍યાનું ટૂંકી બીમારી બાદ ૭૮ વર્ષની વયે મુંબઈમાં નિધન થયુ છે. રામાયણમાં સિરિયલમાં નિષાદ રાજની ભૂમિકાથી તેઓ જાણીતા બન્‍યા હતા. આ સાથે તેમણે અનેક ગુજરાતી ફિલ્‍મોમાં પણ પોતાનો અભિનય આપ્‍યો છે. તેમના અંતિમસંસ્‍કાર આજે મુંબઈ ખાતે રાખવામાં આવ્‍યા છે.

ચંદ્રકાંત પંડયાનું ગુજરાતી ફિલ્‍મોમાં દ્યણું જ યોગદાન છે. તેમને સુપ્રસિદ્ધ ફિલ્‍મ માનવીની ભવાઇ માટે રાષ્ટ્રીય એવાર્ડ મળ્‍યો હતો. ગુજરાતી ફિલ્‍મ જગતમાં ૧૦૦થી વધુ ફિલ્‍મો, ગુજરાતી ટેલિવિઝનની અનેક સામાજિક, ધાર્મિક સિરિયલોમાં કામ કર્યુ છે.

અભિનેતા ચંદ્રકાન્‍ત પંડ્‍યાનો જન્‍મ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ગામે ૧-૧-૧૯૪૬ના રોજ થયો હતો. તેમના પિતા મગનલાલ પંડ્‍યા ધંધાર્થે મુંબઈ ખાતે સ્‍થાઈ થયા હતા. ચંદ્રકાન્‍ત પંડ્‍યાને બાળપણથી જ નાટકોમાં રસ હતો. બીએ સુધી અભ્‍યાસ કર્યા બાદ મુંબઈમાં ઉપેન્‍દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીએ નાટકોમાં કામ કરવાની તક અપાવી હતી. જયાંથી તેમની કારકિર્દીની શરૂઆત થઈ હતી.

ચંદ્રકાંત પંડ્‍યાની પહેલી ફિલ્‍મ કાદુ મકરાણી હતી. જે બાદ તેમણે ક્‍યારેય અભિનય ક્ષેત્રમાં પાછું વળીને જોયું નથી. વિવિધ ભૂમિકાઓ ભજવી ચંદ્રકાન્‍ત પંડ્‍યાએ પોતાનો એક આગવો દર્શક વર્ગ ઉભો કર્યો હતો. જુવાનીના ઝેર ફિલ્‍મમાં હીરો તરીકે તો મહિયરની ચૂંદડી, શેઠ જગડુંશા, ભાદર તારા વહેતા પાણી, સોનબાઈની ચૂંદડી, પાતળી પરમાર સહિત ૧૦૦દ્મક વધુ ફિલ્‍મોમાં તેમણે અભિનયના કામણ પાથર્યા છે.

તેમણે રામાયણ સહિતની સિરિયલોમાં કામ કરી ખૂબ જ લોકપ્રિયતા હાંસલ કરી છે. ચંદ્રકાન્‍ત પંડ્‍યાએ જુદા જુદા સાત જેટલા એવોર્ડ પણ મેળવ્‍યા છે.

 

(10:37 am IST)