Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ઉત્તરાખંડમાં પ્રવાસે ગયેલા રાજ્યના તમામ નાગરિકો સલામત ત્યાંની સરકાર સાથે સતત સંપર્કમાં :પ્રવક્તામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

પ્રવાસીઓને પરત લાવવા માટે તમામ પ્રકારની સુવિધાઓ રાજ્ય સરકાર પૂરી પાડશે :નાગરિકોએ સહેજ પણ ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી

અમદાવાદ : ઉત્તરાખંડમાં પ્રવાસે ગયેલા રાજ્યના તમામ નાગરિકો સલામત છે અને ગુજરાત સરકાર ત્યાંની સરકાર સાથે સતત સંપર્કમાં છે. તે પ્રવાસીઓને પરત લાવવા માટે તમામ પ્રકારની સુવિધાઓ રાજ્ય સરકાર પૂરી પડશે એટલે નાગરિકોએ સહેજ પણ ચિંતા કરવાની કે ગભરાવાની જરૂર નથી.

પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે, મહેસુલી પ્રશ્નોના સત્વરે નિકાલ થકી નાગરિકોને મહેસુલી સેવાઓ ઝડપી અને પારદર્શકતાથી મળે એ માટે આવતીકાલે તમામ જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાશે. જેમાં પડતર કેસોની સમીક્ષા સાથે સત્વરે નિકાલ થાય તે માટે સૂચનાઓ અપાશે.

તેમણે ઉમેર્યું કે સ્થાનિક કક્ષાએ કલેકટરોની કામગીરીની ઓચિંતી તપાસ કરવા માટે અત્રેથી એક ટીમ બનાવવામાં આવશે જે કોઈપણ જિલ્લામાં જઈને આકસ્મિક તપાસ કરશે. આ ટીમો આકસ્મિક તપાસ કરીને જિલ્લાના કેટલા કેસો પડતર છે અને કયા સુધીમાં તેનો નિકાલ થશે તે સહિતની ચકાસણી હાથ ધરશે.

તેમણે કહ્યું કે મહેસુલી સેવાઓમાં જે ફરિયાદો અત્રે મળે છે એનો ત્વરીત નિકાલ થાય અને લોકોને ઝડપથી સેવાઓ મળી રહે એ માટે સરકાર સંનિષ્ઠ પ્રયાસો કરશે. તેમાં જે અધિકારી-કર્મચારીઓ હશે અને એમના કારણે કોઇ ક્ષતિ જણાતી હશે તો તેમની સામે પણ વિભાગીય પગલા લેવાશે.

તેમણે રાજ્યના નાગરિકોને અપીલ કરતા કહ્યું કે રાજ્ય સરકાર પારદર્શી વહિવટ માને છે જ્યારે પણ ખોટું થતું હોય કે પછી જનસેવા માટે ક્યાં નાના લેવાતા હોય તો તે પ્રક્રિયાનો વિડીયો ઉતારીને અત્રેની કચેરી કે મારા કાર્યાલય ખાતે મોકલવામાં આવે. જેથી કરીને તુરંત કાર્યવાહી કરી શકાય. અમે કોઈપણ વ્યક્તિને બક્ષવા માંગતા નથી. ક્યાંય પણ ખોટું થતું હશે તો અમે ચલાવી લેશું નહીં. આ માટે નાગરિકો અને મીડિયા કર્મીઓને પણ સહયોગ આપવા અપીલ કરી છે.

(8:16 pm IST)