Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

વેટ રિફંડના કેસમાં કોર્ટની અવમાનના બદલ GST અધિકારીઓને ફટકાર

એક સરખા કિસ્‍સામાં બે અલગ કેસ દાખલ થતા હાઇકોર્ટની ગંભીર ટકોર

અમદાવાદ,તા. ૨૧ : જીએસટી લાગુ થયા પહેલા રાજ્‍યમાં લાગુ વેટના રિફંડ બાકી રહી ગયા હોય તો તે રિફંડ આપી દેવાનો આદેશ હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્‍યો હતો. જ્‍યારે આ આદેશ એક જ વેપારી પૂરતો સીમિત રાખવામાં આવતા હાઇકોર્ટે અધિકારીઓને આવા તમામ કેસમાં દર વખતે સુનાવણી કરવાની ગંભીર ટકોર સાથે તાત્‍કાલીક રિફંડની કાર્યવાહી આવા તમામ કેસમાં કરવા માટે અલ્‍ટિમેટલ આપ્‍યું છે.
આ અંગે સીએ અતીત દીલીપ શાહે જણાવ્‍યુ હતુ કે સિધ્‍ધાર્થ એન્‍ટરપ્રાઇઝે વેટના રિફંડ માટે અરજી કરી હોવા છતા તેને આપવામાં આવ્‍યુ ન હોતુ. જેથી હાઇકોર્ટમાં વેટનું રિફંડ લેવા માટે પિટિશન કરવામાં આવી હતી. જેથી અગાઉ પણ આવા જ કેસમાં વેટનું રિફંડ આપવા માટેનો આદેશ હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્‍યો હતો. તેમ છતા જીએસટીના અધિકારીઓએ રિફંડ આપવામાં આવ્‍યુ નહોતું. આ કારણોસર હાઇકોર્ટે અગાઉના કેસમાં ચુકાદોઆપ્‍યો હોવા છતાં તેનો અમલ કરવામાં નહીં આવતા હાઇકોર્ટે જીએસટીના અધિકારીઓને ફટકાર લગાવી છે. તેમજ આવા કેસ વખતો વખત હાઇકોર્ટમાં નહીં આવે તે પ્રમાણેની કાર્યવાહી કરવા માટેની પણ ગંભીર ટકોર કરી છે.
એક જ ચુકાદા પુરતી અધિકારીઓની કામગીરીથી પરેશાની
જીએસટી લાગુ થયા પહેલા રાજ્‍ય સરકારના તાબા હેઠળ વેટ હેઠળ કર વસૂલાત કરવામાં આવતી હતી. પરંતુ એક જુલાઇ ૨૦૧૭થી જીએસટી લાગુ થતા વેટના રિફંડ આપવામાં વેપારીઓને સમસ્‍યા ઉભી થતી હતી આ સમસ્‍યાના નિરાકરણ માટે જ હાઇકોર્ટે વેટના કેસમાં જીએસટીના અધિકારીઓને રિફંડ આપવા માટે તાકીદ કરી હોવા છતાં એક જ વેપારી પુરતી કાર્યવાહી સીમિત રાખવામાં આવતી હતી. તેના કારણે અન્‍ય વેપારીએ રિફંડ લેવા માટે હાઇકોર્ટમાં જવું પડતુ હોય છે. આ સમસ્‍યા દરેક વખતે થતી હોય છે. કારણ કે જીએસટીના અધિકારીઓ એક જ ચુકાદા પુરતી કાર્યવાહી કરીને અન્‍ય વેપારીને પરેશાન કરતા હોય છે.

 

(10:39 am IST)