Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

સોનાનાં જૂનાં ઘરેણાં વેચાતા લેવા માટે નિયમો ઘડવા જ્વેલર્સની માગ

જૂના ઘરેણાં ખરીદનારાને થતી ખોટી હેરાનગતિ અટકાવવા રજૂઆત : કેવાયસી કે ચેકથી પેમેન્ટ આપવા સહિતના નિયમો અમલી બનાવવા સૂચના

અમદાવાદ તા. ૨૧ : જવેલર્સ પાસે વેચાણ માટે આવતી ચોરીની જવેલરીના કારણે તેમની હેરાનગતિમાં વધારો નોંધાયો છે. જવેલરીના ફરી વેચાણ માટે કેવાયસી (નો યોર કસ્ટમર) અને ચેક પેમેન્ટના નિયમને ફરજિયાત કરવા માટે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ઈન્ડિયન બુલિયન જવેલર્સ એસોસિયેશન (ઇબજા) દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

તહેવારના કારણે શહેરના જવેલરી ઉત્પાદકો પાસે લોકલ અને વિદેશી માર્કેટ માટેના ઘણા કામ નોંધાયા છે. એકમાત્ર તહેવારોની સિઝનમાં જ સુરતના ડાયમંડ અને ગોલ્ડ જવેલરી ઉત્પાદકો ૬૦૦૦ કરોડથી વધુનો વેપાર કરી લેશે. ત્યાં ફરી વેચાણ માટે જવેલર્સ પાસે આવતી ચોરીની જવેલરીને લઈને હેરાનગતિ વધી છે. ઈબજા સાથે સંકળાયેલા પદાધિકારીઓ જણાવે છે કે, જવેલર્સ પાસે ઘણી જવેલરીઓ ફરી વેચાણ માટે આવતી હોય છે. જેમાં કઈ ચોરીની છે અને કઈ ખરીદેલી તેનો ભેદ સીધી રીતે પારખવો મુશ્કેલ પડતો હોય છે. ઘણા કિસ્સામાં વગદાર જવેલર્સ પણ ચોરીની જવેલરી ખરીદવાના કિસ્સામાં ફસાઈ જતો હોય છે. જેની સામે થતી પોલીસ કાર્યવાહીમાં જવેલર્સની દોડધામ વધતી હોઈ છે.

તહેવારો દરમિયાત ઘણી જવેલરીઓની ખરીદી ગ્રાહક વર્ગની સાથે જવેલર્સ વર્ગ દ્વારા પણ થતી હોય છે. એવામાં અજાણતામાં ખરીદી થયેલી તમામ એ તમામ જવેલરીની ખરાઈ શકય હોતી નથી. આ અંગે ઈબજાના ગુજરાત એડવાઈઝરી બોર્ડના ચેરમેન નૈનેષ પચ્ચીગર જણાવે છે કે, ઘણી વખત જવેલર્સ ગ્રાહકો સાથેના સંબંધના કારણે વિશ્વાસ પર જવેલરીની ખરીદી કરી લેતો હોય છે. જો કે, ચોરીની જવેલરીના વેચાણના પ્રકરણમાં પાછળથી જવેલર્સે જ હેરાન થવું પડે છે.

ગૃહમંત્રીને રજૂઆતમાં આ સૂચનો કરાયા

જવેલરીની ખરીદી માટે કેવાયસી સહિત ચેક પેમેન્ટ સિસ્ટમને ફરજિયાત કરવાની સાથે જ જવેલર્સ દ્વારા તૈયાર કરવામાં આવતાં મેમોમાં જવેલરી વેચાણ કરવા ઈચ્છતા ગ્રાહકે તમામ વિગતો આપવી ફરજિયાત કરવાની માંગણી કરી છે. છેલ્લા ૬ મહિનામાં કોરોનાના કારણે ઘણાએ પોતાની જવેલરી વેચી હતી. તેમાં ઘણા જવેલર્સ ચોરીની જવેલરી ખરીદવાના કિસ્સામાં હેરાન થઈ રહ્યા છે. આ સ્થિતિ આગળના દિવસમાં ઊભી થાય તો જવેલર્સના માથે ઓછી જવાબદારી રહે તે માટે રજૂઆત કરવામાં આવી છે.

(12:43 pm IST)