Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

આજથી ૨૦૦ વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણ પંચાળામાં પાંચસો પરમહંસો સાથે રાસ રમ્યા હતા: શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી

સંતો અને વિદ્યાર્થોઓના સમૂહ રાસની રમઝટ સાથે એસજીવીપી ગુરુકુલમાં ઉજવાયેલ શરદપૂર્ણિમા મહોત્સવ

અમદાવાદ તા.21 શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ છારોડી ખાતે શા. માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં દરવરસની માફક શરદપૂર્ણિમા મહોત્સવ આનંદ સભર ઉજવાયો હતો.

કાર્યક્રમની શરૂઆતે મેમનગર ગુરુકુલ, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયની ઋષિકુમારો અને સંતોએ રાસની રમઝટ બોલાવી હતી.

શરદપૂર્ણિમાનો મહિમા સમજાવતા માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતુ કે શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધમાં ભગવાન શ્રી કૃષ્ણે યમુનાજીના પુલિંદમાં શરદપૂર્ણિમાએ મહારાસની રચના કરી હતી. ભગવાન શ્રીકૃષ્ણનો રાસ એટલે ધરતી ઉપર પ્રેમનો વરસાદ, આજની ધરતી આવા પ્રેમના વરસાદને ઝંખે છે. આજે મકાન મોટા થયા છે પણ માણસ સાવ વામણો બન્યો છે. મશીનો વધ્યા છે સંવેદના ઘટી છે. સંપત્તિ પાછળની આંધળી દોટને લીધે જગત્ રેતના રણ જેવું સુકું થઇ ગયું છે. ત્યારે આવા શરદોત્સવો રણમાં ગુલાબના ફુલ ખીલવે છે. આજથી ૨૦૦ વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણ પંચાળામાં  પાંચસો સંતો સાથે રાસ રમ્યા હતા ત્યારે જેટલા સંતો હતા તેટલા રુપો ભગવાને ધારણ કરી રાસ લીધો હતો.

આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આજે તો અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ દિવસ છે. ભગવાન પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે ત્યારે મુક્તોપણ સાથે લાવે છે, એકલા આવતા નથી. ભગવાન સ્વામિનારાયણની સાથે ગુણાતીતાનંદ સ્વામી પણ પધાર્યા હતા.

આ પ્રસંગે લોકલાડીલા ભીખુદાનભાઇ ગઢવીએ પોતાની આગવી છટામાં શ્રોતાઓને રાજી કર્યા હતા.    કાર્યક્રમની શરુઆતે શા. માધવપ્રિયદાજી સ્વામી, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પ્રથમ ઠાકોરજીની આરતિ ઉતારી હતી. આ રીતે ચાર આરતિ ઉતારવામાં આવી હતી.

આ પ્રસંગે મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓએ અને રીબડા ગુરુકુલના વિદ્યાર્થીઓએ પણ રાસની રમઝટ બોલાવી હતી, તેમજ ભાવનગરની રામમંડળીએ પણ  કાઠીયાવાડી રાસની રમઝટ બોલાવી હતી.

યોગાનુયોગ આજે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી આનંદીબેનના જમાઇ જયેશભાઇ પટેલ સાથે ગુજરાત રાજ્યના સુપ્રસિદ્ધ ગાયક પાર્થિવ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. એમણે પોતાના કામણગારા કંઠે શરદોત્સવને રસમય બનાવી દીધો હતો. પાર્થિવના બોલે એસજીવીપીના સંતો એ રાસ લીધો ત્યારે વાતાવરણ અતિ દિવ્ય ભાસતું હતું.

આ પ્રસંગે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ  વાઘાણી  ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના

અંતરના ઉદગારો વ્યકત કર્યા હતા.

આ પ્રસંગે જજ શ્રી ઢોલરિયા સાહેબ, નવિનભાઇ દવે, ભીખુદાનભાઇ ગઢવી, વિપુલભાઇ ગજેરા,  શરદભાઇ ઠાકર, ભદ્રાયુ વચ્છરાજાની, ગોવિંદભાઇ રાઘવાણી-લંડન, ઝાલાવાડીયા ત્રીકમભાઇ, ઝાલાવાડીયા ધનજીભાઇ વગેરે મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહયા હતા.

કાર્યક્રમને અંતે દરેક ભકતોનો દૂધપૌઆનો પ્રસાદ વહેંચવામાં આવેલ. સભાનું સંચાલન ભાનુભાઇ પટેલે સંભાળ્યું હતું.

 

(1:26 pm IST)