Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ગુજરાત પ્રતિ મિલિયન રસીકરણ ક્ષેત્રે દેશમાં અગ્રેસર : રૂષિકેશભાઇ પટેલ

આત્મનિર્ભર ભારત અંતર્ગત કોરોના રસીકરણ ક્ષેત્રે ભારત વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત ૧૦૦ કરોડ દેશવાસીઓને વેકિસનેશનના ડોઝ આપવા બદલ નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન પાઠવતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ : ગુજરાતમાં બીજા ડોઝ માટે ટ્રેકિંગ - ટ્રેસિંગ કરીને ૧૦૦ ટકા રસીકરણનો લક્ષ્યાંક સિધ્ધ કરાશે : રાજ્યના સૌ આરોગ્ય કર્મીઓને અભિનંદન : રાજ્યના ત્રણ કોર્પોરેશન અને ચાર જિલ્લાઓમાં ૧૦૦ ટકા રસીકરણ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને આયોજનના પરિણામે દેશવાસીઓને કોરોનાથી બચાવવા અપ્રતિમ સફળતા : વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાન હેઠળ ૧૦૦ કરોડ રસીના ડોઝ આપનાર વિશ્વના ૪ દેશોમાં ભારતનો સમાવેશ

રાજકોટ તા. ૨૧ : રાજયના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, વૈશ્વિક મહામારી કોરોના સામે દેશવાસીઓને રક્ષિત કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત આયોજન અને નેતૃત્વ થકી અપ્રતિમ સફળતા મળી છે. આજે ૧૦૦ કરોડ દેશવાસીઓને આત્મનિર્ભર ભારત અંતર્ગત સ્વદેશી રસીના ડોઝ આપીને વિશ્વને અચંબીત કરી દીધું છે એ માટે દેશવાસીઓ વતી વડાપ્રધાનશ્રીને તેમણે લાખ લાખ અભિનંદન આપ્યા હતા.

મંત્રીશ્રી પટેલે ઉમેર્યું કે, કોરોનાથી નાગરિકોને સુરક્ષિત કરવા માટે વડાપ્રધાનશ્રી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાના માર્ગદર્શન હેઠળ વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો હતો અને આજે ૧૦૦ કરોડ દેશવાસીઓને રસીના ડોઝ આપી દેવાયા છે. વિશ્વમાં ચાર દેશોએ આ કામ કર્યું છે એ પૈકી ભારત એક દેશ છે, જે આપણા સૌ માટે ગૌરવરૂપ છે. તેમણે કોરોના રસીકરણ ક્ષેત્રે પ્રતિ મીલીયન રસીકરણ અંતર્ગત ગુજરાત દેશભરમાં મોખરે રહ્યું છે તે માટે રાજયના આરોગ્ય કર્મીઓને પણ અભિનંદન પાઠવી તેમની સેવાઓને બિરદાવી હતી.

તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં ૯૦ ટકા પ્રથમ ડોઝ આપી દેવાયા છે અને બીજા ડોઝ માટે પાત્રતા ધરાવતા લોકોનું ટ્રેકિંગ અને ટ્રેસિંગ કરીને બીજા ડોઝ આપવાનો પ્રયાસ હાથ ધરાશે. એટલું જ નહીં રાજયના PHC, CHC, સિવિલ હોસ્પિટલમાં જે લોકો સારવાર માટે આવશે તેઓએ રસી લીધી છે કે નહીં તેની તપાસ કરીને તેમને રસી આપવા અંગેની પણ તમામ વ્યવસ્થાઓ ઊભી કરાશે. તેમણે કહ્યું કે, રાજયમાં ત્રણ કોર્પોરેશન અને ચાર જિલ્લાઓમાં ૧૦૦ ટકા વેકિસનેશન કામગીરી પૂર્ણ થઇ છે. આગામી સમયમાં ગુજરાતમાં ૧૦૦ ટકા કામગીરી થાય એ માટે સંનિષ્ઠ પ્રયાસો કરાશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સમગ્ર દેશમાં આજે તા.૨૧ ઓકટોબર સવારે ૧૦ વાગ્યા સુધી કોવિડ-૧૯ રસીના પ્રથમ ડોઝ ૭૦,૮૩,૧૮,૭૦૩ અને બીજો ડોઝ ૨૯,૧૬,૯૭,૦૧૧ મળીને કુલ ૧૦૦ કરોડથી વધુ રસીના ડોઝ મુકવામાં આવ્યા છે. જેમાં ગુજરાત રાજયનું પણ મહત્વપૂર્ણ યોગદાન છે. ગુજરાતમાં તમામ જુથોના ૪,૪૧,૬૫,૩૪૭ લાભાર્થીઓને પ્રથમ ડોઝ તથા ૨,૩૫,૦૬,૧૨૯ લાભાર્થીઓને બીજો ડોઝ મળી કુલ ૬.૭૬ કરોડથી વધુ રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે એટલે કે સમગ્ર દેશના રસીકરણમાં ગુજરાતનો ૬.૭ ટકાથી વધારે ફાળો છે. રાજયમાં પ્રતિ દસ લાખ બે ડોઝના લાભાર્થીએ ૬,૮૬,૧૯૧ રસીના ડોઝ આપવામાં આવ્યા છે જેમાં દેશના મોટા રાજયોમાં ગુજરાત અગ્રેસરનું સ્થાન ધરાવે છે.

તેમણે કહ્યું કે, રાજયમાં કુલ ૧૫,૪૩૬ ગામડાઓ, ૪૯૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૩૦ શહેરી આરોગ્ય કેન્દ્ર તથા ૫૩ તાલુકાઓમાં તમામ ૧૮ વર્ષથી ઉપરના વ્યકિતઓને રસીનો પ્રથમ ડોઝ આપી ૧૦૦ ટકા કવરેજ કરવામાં આવ્યું છે. ઇન્ડિયા ટુડે હેલ્થગિરી એવોર્ડ્સ ૨૦૨૧, તા. ૦૨.૧૦.૨૦૨૧ના રોજ દિલ્હીમાં રજૂ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી મનસુખ માંડવિયા દ્વારા ગુજરાતને રાજય દ્વારા શ્રેષ્ઠ રસીકરણ અભિયાનના વિજેતા જાહેર કરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જે ગુજરાત માટે ગૌરવની વાત છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, કોવિડ-૧૯ રસીકરણ અંતર્ગત ગુજરાતમાંઙ્ગ ખુબ જ શ્રેષ્ઠ કામગીરી થઇ છે. સમગ્ર દેશમાં અને રાજયમાં તા.૧૬મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ કોવિડ-૧૯ રસીકરણ કામગીરીની શરૂઆત કરી હતી. સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજય છે. ભારત સરકારની સુચના મુજબ ૧ માર્ચ, ૨૦૨૧થી આખા દેશની સાથે, ગુજરાતમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના અને ૪૫ વર્ષથી વધુ ઉંમરના અન્ય રોગો ધરાવતા બધાને કોવિડ-૧૯ની રસીકરણ શરૂ કરવામાં આવી હતી. ૧લી એપ્રિલ, ૨૦૨૧ થી ૪૫ વર્ષથી વધુ ઉંમરના વ્યકિતઓને રસી આપવામાં આવી. જયારે તા. ૧લી મે, ૨૦૨૧થી રાજયના ૭ કોર્પોરેશન તથા ૩ જિલ્લામાં ૧૮-૪૪ વર્ષ વય જુથ માટે રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી, ત્યારબાદ ૪થી જુન, ૨૦૨૧થી રાજયના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં આ વય જુથમાં રસીકરણની સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે. એક પણ રજા લીધા સિવાય આરોગ્ય કર્મીઓએ આ ઝુંબેશને આગળ વધારી રાજયના નાગરિકોને કોરોનાથી સુરક્ષિત કાર્ય છે જે માટે સૌ આરોગ્ય કર્મીઓ અભિનંદન ને પાત્ર છે. આ રસીકરણ ઝુંબેશ થકી રાજયમાં ૧૦૦ ટકા રસીકરણ સંપન્ન કરવાની દિશામાં અમારી ટીમ કાર્યરત છે જે લક્ષ્યાંકને નજીકના દિવસોમાં જ પૂર્ણ કરવામાં આવશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, કોવિડ ૧૯ રસીકરણ માટે હાલમાં ભારત સરકાર દ્વારા કોવિશિલ્ડ, કોવેકસીન અને સ્પુતનિક ૩ રસીને મંજૂરી આપવામાં આવી છે. રાજય સરકાર દ્વારા કોવિશિલ્ડ વેકસીનના કુલ ૨૬,૨૫,૨૭૦ ડોઝ અને કોવેકસીન વેકસીનના કુલ ૨,૪૯,૨૪૦ ડોઝની ખરીદી કરવામાં આવી છે. જે પૈકી કોવિશિલ્ડ વેકસીનના કુલ ૨૬,૨૫,૨૭૦ ડોઝ અને કોવેકસીન વેકસીનના કુલ ૨,૪૯,૨૪૦ ડોઝનો જથ્થો ગુજરાત રાજયને પ્રાપ્ત થયો છે. ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડ વિભાગ દ્વારા કોવિશિલ્ડ વેકસીનની ખરીદી માટે કુલ રૂ. ૮૨.૬૯ કરોડ તેમજ કોવેકસીન વેકસીનની ખરીદી માટે કુલ રૂ.૧૦.૪૬ કરોડ અનુક્રમે સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને ચૂકવવામાં આવ્યા છે. ભારત સરકાર તરફથી તા.૨૦.૧૦.૨૦૨૧ સુધીમાં ગુજરાત રાજયને કુલ ૫,૭૫,૮૦,૧૮૦ ડોઝ કોવિશિલ્ડ અને ૭૬,૩૯,૯૪૦ ડોઝ કોવેકસીન મળીને કુલ ૬,૫૨,૨૦,૧૨૦ ડોઝ કોવિડ ૧૯ રસીના મળેલ છે.

તેમણે ઉમેર્યું કે, રાજયમાં કોવિડ ૧૯ રસીનો સંગ્રહ કરવા કુલ ૨૨૫૦ રસીઓના સ્ટોર ઉપલબ્ધ છે, આ તમામ સ્ટોર ખાતે આ વેકિસનનો સંગ્રહ ૨°C થી ૮°C તાપમાને કરવામાં આવે છે. રાજયમાં કોવિડ વેકિસનનો સંગ્રહ કરવા માટે ૧૧ વોલ્ક-ઈન-કુલર (WIC), ૦૩ વોલ્ક-ઈન-ફ્રિઝર (WIF), ,૫૯૯ આઈસ લાઇન્ડ રેફ્રિજરેટર (ILR), ,૪૬૭ ડિપ ફ્રિઝર (DF), ૮૪,૯૩૩ વેકસીન કેરિયર અને ૪૦૩૪ કોલ્ડ બોકસ જેવા કોલ્ડ ચેઇનના સાધનો ઉપલબ્ધ છે. રાજયના તમામ ૨૨૫૦ રસીના સ્ટોર ખાતે વાસ્તવિક સમયે ઉપલબ્ધ વેકિસનના જથ્થા અને રસીનું નિયત તાપમાને સંગ્રહ અંગેની માહિતી ઉપલબ્ધ થાય તે માટે eVIN પરિયોજના રાજયમાં ૨૦૧૬થી કાર્યરત છે. એટલું જ નહિ, રાજયમાં ૧૨ હજારથી વધુ તાલીમબદ્ઘ વેકસીનેટરઙ્ગ ઉપલબ્ધ છે.

(3:58 pm IST)