Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

પોતાના લગ્ન થતા ન હતા જેથી માનસિક ત્રસ્‍ત યુવક અમદાવાદમાં અડાલજ કેનાલ પાસે કોઇપણ યુગલને જુએ એટલે તેના ઉપર હૂમલો કરતોઃ યુવકને છરી ઝીંકી દઇને મોતને ઘાટ પણ ઉતાર્યો

પોલીસે 14 ટીમો બનાવીને આ બનાવનો ભેદ ઉકેલી નાખ્‍યો

ગાંધીનગર: અડાલજ પાસેથી પસારથતી ઝુંડાલ કેનાલ ઉપર બેઠેલા પ્રેમી પંખીડાને બાઇક લઇને આવેલા એક શખ્સે ચપ્પાના ઘા માર્યા હતા. યુવક સાથે આવેલી યુવતિએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઇને આરોપી ફરાર થઇ ગયો હતો. આ હુમલામાં યુવકનું મોત નિપજ્યુ હતું. ત્યારે અડાલજની નર્મદા કેનાલ ઉપર અવારનવાર થતી આવી હુમલાની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. અડાલજ પાસે નર્મદાની કેનાલ પર હુમલા કરનાર આરોપી પકડાયો છે. જેની પૂછપરછ ચોંકાવનારો ખુલાસો થયો કે, પોતાના લગ્ન ન હોતા થતા જેથી માનસિક રીતે ત્રસ્ત થયેલો યુવક કેનાલ પાસે કોઈ પણ યુગલને જુએ એટલે તેમના પર હુમલો કરતો હતો.

હુમલામાં યુવકનું થયુ હતું મોત

અડાલજના ઝુંડાલ પાસેની નર્મદા કેનાલ પાસે અનેક પ્રેમી પંખીડાઓ બેસતા હોય છે. આવામાં 10 ઓક્ટોબરના રોજ ઝુંલાડ કેનાલની પાળ ઉપર એક કપલ બેસ્યુ હતું. 21 વર્ષિય છાયા અમરસિંહ પારઘી અને તેનો પ્રેમી અજય પ્રવિણભાઇ સાગર (બંને રહે, સાબરનગર, વાડજ) વાતો કરી રહ્યા હતા ત્યારે અચાનક એક એક યુવક ટુ વ્હીલર લઇને આવ્યો હતો. તેણે પ્રેમી યુગલને ધમકી આપી હતી. તેણે પૂછ્યુ હતું કે, તમે લોકો અહિંયા કેમ બેઠા છો ? શુ કરવા આવ્યા છો? થોડી તકરાર બાદ યુવક પ્રેમી યુવકને ચપ્પાના ઘા મારીને ફરાર થઈ ગયો હતો. યુવકે યુવતીને પણ ચપ્પાથી ઈજાગ્રસ્ત કરી હતી. જેમાં યુવકનું મોત નિપજ્યુ હતું.

સતત બનતી ધટનાથી પોલીસે તપાસ કરી

તેવા સમયે ગત 11મી અને 13મીના રોજ બનેલી બે ઘટનાઓએ પોલીસની ઉંઘ ઉડાડી નાખી હતી. આ ઘટના બાદ ગાંધીનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગાઁધીનગર પોલીસની તપાસમાં સામે આવ્યુ કે, એ જ દિવસોમાં લુંટ અને ચોરીના ત્રણ ચાર કેસ સામે આવ્યા હતા. મોટાભાગના કેસોમા એક જ થીયરી સામે આવી હતી. નિકોલ પાસે કેનાલ પર પણ આ જ પ્રકારની ઘટનાનો સામે બની હતી. ત્યારે પોલીસે 18 કિમીના વિસ્તારમાં પૂછપરછ કરીને ટેકનિકલ માહિતી મેળવી હતી. પોલીસે આરોપીઓને ઝડપી લેવા જિલ્લા પોલીસની 14 ટીમો બનાવી હતી. આસપાસના ગામડામા રહેતા અને શંકાસ્પદ આરોપીઓની પોલીસ દ્વારા પૂછપરછ કરાઇ હતી. હુમલો કરનાર યુવકનો સ્કેચ બનાવીને ચારેતરફ તપાસના ઘોડા દોડાવ્યા હતા. જેમાં વિપુલ પરમાર અને તેનો સાગરિત દિપક ઠાકોરની પોલીસે ધરપકડ કરી છે.

ગાંધીનગરના રેન્જ આઈજી અભય ચુડાસમાએ માહિતી આપી કે, વિપુલ પરમાર નામનો યુવક આ હુમલાનો મુખ્ય આરોપી છે. જ્યારે કે, દિપક ઠાકોર નામનો તેનો સાગરિત પણ પકડાયો છે. આરોપી યુવક વિપુલ પરમાર સાયકો હોવાનું સામે આવ્યું છે. તેણે લગ્ન માટે છોકરીઓ જોઈ હતી, પરંતુ તેના લગ્ન થઈ શક્યા નહતા. જેને કારણે તે કોઈ પણ યુગલને જોતા જ તેમના પર હુલમો કરતો હતો. પોતાના લગ્ન નહોતા થતા, તેથી આ ચિંતાને કારણે વિપુલ માનસિક રીતે બીમાર થઈ ગયો હતો. આરોપી વિપુલ કડોદરાનો વતની છે. તે અગાઉ પણ કેટલાક ગુનાઓમાં પકડાયેલો છે, અને તેને ત્રણ વર્ષની જેલ પણ થઈ છે. તેના સાગરિતો પણ અન્ય ગુનાઓમાં સંડોવાયેલા છે.

તેની માતા તેના પિતાને છોડીને જતી રહી હતી, જેથી પિતાએ બીજા લગ્ન કર્યા હતા. પરંતુ તેની સાવકી માતા તેને સાથે સારો વ્યવહાર રાખતી ન હતી. આ ભેદભાવને કારણએ ઉશ્કેરાયેલો રહેતો હતો. શાદી ડોટ કોમ પર તેણે પોતાનુ નામ લગ્ન માટે નોંધાવ્યુ હતું, જ્યાં તેણે એક યુવતીનો પણ સંપર્ક કર્યો હતો. પણ તેની માતા લગ્ન કરવા દેતી ન હતી, તેથી તે ગુસ્સે ભરાયેલો રહેતો હતો. સમયસર પકડાયો ન હોત તો અન્ય યુગલો પણ તેનો ભોગ બન્યા હોત.

પહેલા કપલ પર હુમલો અને ત્યાર બાદ લોકોની સાથે લૂંટફાટ થવા લાગી હતી. ભોગ બનેલા લોકો પાસેથી આરોપીનું જે વર્ણન મળ્યુ તે એકસરખુ હતું. તમામ ઘટનાઓની હુમલો કરવાની સ્ટાઈલ પણ એક જેવી હતી. હુમલો કરનાર શખ્સ કોઈ પણ જાતના કારણ વગર આ રીતે હુમલો કરતા હતા જેથી ગાંધીનગર પોલીસને શંકા ગઈ હતી. ભોગ બનનારાઓએ આપેલુ વર્ણન પોલીસ પાસે એકમાત્ર પુરાવો હતો, જેના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી હતી. 

(5:07 pm IST)