Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

સુરતના પાલનપુર વિસ્‍તારમાં રહેતા મુળ હરિયાણાના 5 વર્ષના જીવાંશ જાવલાને યુ ટયુબ ઉપર 1.80 લાખ લોકો ફોલો કરે છેઃ ડાન્‍સનો વીડિયો વાયરલ થયા બાદ સિતારો ચમક્‍યો

રોબોટિક ડાન્‍સનો ટયુબર બનવાની ઇચ્‍છાઃ યુ ટયુબ તરફથી સિલ્‍વર બટન મળ્‍યુ

સુરત: લોકડાઉનના સમયે બાળકોની ક્રિએટિવિટી વધુ નિખરીને બહાર આવી છે. ત્યારે સુરતના પાલનપુર વિસ્તારમાં રહેતા 5 વર્ષીય બાળકે લોકડાઉનથી અત્યાર સુધી 200૦ જેટલા વીડિયો અપલોડ કર્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર એટલા પોપ્યુલર બન્યા છે કે તે પાંચ વર્ષની ઉંમરમાં જ યુટ્યુબ સ્ટાર બની ગયો છે. આ ડાન્સ વીડિયોને કારણે તેણે આવક તો કરી જ છે, પરંતુ હવે તેને યુટ્યુબનું સિલ્વર બટન પણ મળી ગયું છે.

પહેલાના જમાનામાં પાંચ વર્ષની ઉંમરે બાળકો મજાક મસ્તીમાં રહીને કક્કો અને એબીસીડી શીખતા હતા. ત્યારે આજના યુગમાં બાળકો એડવાન્સ થઈ રહ્યા છે. સુરતના પાલનપુર વિસ્તારમાં રહેતાં અને મૂળ હરિયાણાના માત્ર 5 વર્ષના જીવાંશ જાવલાને યુટ્યુબ પર ૧.૮૦ લાખ લોકો ફોલો કરે છે. લોકડાઉનમાં શાળાઓ બંધ રહી હતી ત્યારે જીવાંશે પોતાની માતા પાસેથી શીખેલા ડાન્સનો વીડિયો યુ ટ્યુબ પર અપલોડ કર્યો હતો અને ત્યારબાદ એક પછી એક વીડિયો અપલોડ કરતો ગયો. જોત જોતામાં તેના ચાહકોની સંખ્યા લાખોમાં પહોંચી ગઈ છે.

આ માટે તેને યુટ્યુબ તરફથી સિલ્વર બટન પણ મળ્યું છે. જીવાંશે કહ્યું કે, મને ડાન્સ ખુબ જ ગમે છે અને હું મોટો થઈને રોબોટિક ડાન્સનો ટ્યુટર બનવા માંગુ છું.

દીકરાના આ ટેલેન્ટ વિશે પિતા નવીન અને માતા સુરેખા જાવલાએ કહ્યું કે, તેના દરેક વીડિયોને કરોડો વ્યૂ મળે છે. ઘરે જ ડાન્સ શીખીને તે ખૂબ જ ઓછા સમયમાં સારો ડાન્સર બની ગયો છે. જેથી અમે તેની ચેનલ બનાવી હતી. અમને આશા પણ ન હતી કે, આટલા ટૂંકા ગાળામાં લાખોની સંખ્યામાં સબસ્ક્રાઈબર થઈ જશે. પોતાના ડાન્સના વીડિયોને કારણે પ્રથમવાર તેણે 11 હજાર રૂપિયાની કમાણી પણ કરી છે.

(5:12 pm IST)