Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

અમદાવાદમાં ગણતરીની સેકન્‍ડોમાં બનાવટી ચાવી બનાવીને કાર ચોરીને અંજામ આપતી આંતરરાજ્‍ય ગેંગને ક્રાઇમ બ્રાન્‍ચની ટીમે ઝડપી લીધીઃ જેલમાં કાર ચોરી કરતી ગેંગ સાથે પરિચય થયા બાદ કારસ્‍તાન કર્યું

મહારાષ્‍ટ્રમાંથી 170 ગાડીની ચોરી કરી હતીઃ ગુજરાતમાં 100 ગાડીની ચોરીનો ટાર્ગેટ હતો

અમદાવાદ: ગણતરીની સેંકડોમાં બનાવટી ચાવી બનાવી ગાડીની ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીને પકડી પાડવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. આરોપી ન માત્ર અમદાવાદ, પરંતુ સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ ચોરીને અંજામ આપતા હતા. આરોપીની પૂછપરછમા સામે આવ્યુ કે, આ ગેંગ માત્ર 5 મિનિટમાં બનાવટી ચાવી બનાવી ગાડીની ચોરી કરતા હતા. જે માટે વપરાતી 41 જેટલી પ્લેન ચાવી પણ કબ્જે કરવામાં આવી છે. આરોપી રાજ્યમાં 100 કાર ચોરીનો ટાર્ગેટ લઈને આવ્યા હોવાનુ સામે આવ્યુ છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જાવેદ ઉર્ફે બબલુ કુરેશી, સુરેન્દ્ર યાદવ અને મનોજ ઉર્ફે મહેતાજી જોશીની ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ વાહનચોરીના ગુનામાં કરવામાં આવી છે. આરોપીની પૂછપરછ કરતા 15 જેટલી ફોર વ્હીલર ગાડીની ચોરી કરી હોવાનુ સામે આવ્યુ છે. જેમા અમદાવાદ, વડોદરા તથા ભરૂચમાંથી પણ ચોરી કરી હતી. ચોરી કરેલી ગાડીઓ મુખ્ય આરોપી મનોજ રાજસ્થાનમાં 30 હજારથી લઈ 50 હજારમાં ડોક્યુમેન્ટ વિના વેચતો હોવાનુ સામે આવ્યુ છે.

ચોરીના ગુનામાં ઝડપાયેલા 3 આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે અગાઉ આ ગેંગમાં 9 આરોપી સામેલ હતા. જેમણે માત્ર મહારાષ્ટ્રમાંથી જ 170 જેટલી ગાડીઓની ચોરી કરી હતી. તો ગુજરાતમાંથી 100 ગાડીની ચોરીનો ટાર્ગેટ કરીને આવ્યા હતા. આરોપીઓ મુંબઈથી અલગ અલગ કંપનીની પ્લેન ચાવી ખરીદી લેતા અને બાદમાં ગાડી ટાર્ગેટ કરી 5 મિનિટમાં બનાવટી ચાવી બનાવી ચોરીને અંજામ આપી ફરાર થઈ જતા હતા. જે માટે વપરાતી 41 પ્લેન ચાવી પણ ક્રાઈમ બ્રાન્ચે કબ્જે કરી છે.

આરોપીની પૂછપરછમાં સામે આવ્યુ કે, આરોપી જાવેદ અગાઉ હત્યાના પ્રયાસ, વાહન ચોરી, લુંટ, હથિયાર ધારા,  હત્યા સહિતના 14 જેટલા ગુનામાં જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે. જોકે જેલમાંથી તેણે આંતરરાજ્ય કાર ચોરી કરતી ગેંગ સાથે પરિચય થયો હતો અને બાદમાં કાર ચોરી કરવા લાગ્યો હતો. જોકે પોલીસને આશા છે કે આરોપીના રિમાન્ડ મેળવી પૂછપરછ કરતા વધુ ગુનાનો પણ ભેદ ઉકેલાઈ શકે છે.

(5:13 pm IST)