Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ટ્રેલર અને ઇકો કાર વચ્‍ચે સર્જાયેલ ગમખ્‍વાર અકસ્‍માતમાં સંતરામપુરના 4 યુવાનોના મોતથી ગમગીનીઃ સામુહિક અંતિમયાત્રા નીકળતા ગામ હિબકે ચડયુ

મેલડી માતાના દર્શન કરવા જઇ રહ્યા હતા ત્‍યારે ભોઇ પરિવારના 3 યુવાન અને એક તેમનો મિત્ર કાળનો ભોગ બન્‍યા

અમદાવાદઃ સંતરામપુરના ચાર યુવાનોના સાગમટે માર્ગ અકસ્માતમાં મોત થતા ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આ યુવાનોની એકસાથે અંતિમયાત્રા નીકળતા આખું નગર હીબકે ચઢ્યું હતું. ઇક્કો કાર લઈ મેલડી માતાના દર્શન કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન મહુધામાં ટ્રેલરચાલકે અડફેટે લેતા ચારેય યુવાનોના મોત થયા હતા.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, સંતરામપુરના ચાર યુવાનો મેલડી માતાના દર્શન કરવા માટે નીકળ્યા હતા. જો કે, તે દરમિયાન એક ટ્રેલરચાલકે તેમની ઈક્કો ગાડીને અડફેટે લેતા કાર ખાઈમાં ખાબકી હતી જેથી આ યુવાનોને ગંભીરઈજાઓ થતા તેઓનું મોત થયું હતું. અકસ્માતમાં ભોઇ સમાજના અને એક જ પરિવારના 3 યુવાનો મોત થતાં ભોઈ પરિવાર પર વિટંબણાઓનો પહાડ તૂટી પડ્યો છે. મોડી સાંજે મૃતક ચાર યુવકોના મૃતદેહ લવાતા વાતાવરણમાં ગમગીની છવાઇ હતી. એક સાથે 4 યુવકોની અંતિમયાત્રા નીકળતાં ગામ હીબકે ચઢ્યું હતું. તથા અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયાં હતાં.

સંતરામપુરના રાજુભાઈ સનાભાઇ ભોઇ મંગળવારે મેલડી માતાનાં દર્શન જતા હતા. ત્યાર છેલ્લા 6 મહિનાથી સુરેશભાઈ અંબાલાલ ભોઈ અને સંજયભાઈ દીપાભાઇ ભાઇ પણ દર મંગળવારે મેલડી માતાના દર્શન માટે મહિનામાં ચારથી પાંચ વાર દર્શન કરવા જતા હતા. ઇક્કો કારમાં રાજુભાઇ, સંજયભાઇ તથા સુરેશભાઇ મંગળવારે માતાનાં દર્શન કરવા જતા હતા. તેમની સાથે પ્રથમવાર તેમનો મિત્ર સંજયભાઈ બારિયા ગયો હતો. આમ, પ્રથમવાર ગયેલા સંજય બારિયા સહિત એક જ પરિવારના 3 ભોઇ સમાજના સભ્યોના અકસ્માતમાં મોતથી સંતરામપુરમાં માતમ છવાઇ ગયો હતો.

અકસ્માતમાં કારચાલક અને અન્ય એક ઇજાગ્રસ્ત આકાશ અશોકભાઇ દેવડા નડિયાદ સિવિલમાં સારવાર હેઠળ છે. મહુધા પોલીસે ઈજાગ્રસ્ત કારચાલક જિતુભાઇ ભૂલાભાઇ ભોઈની ફરિયાદને આધારે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.

(6:05 pm IST)