Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

મહેસૂલી વિભાગને લગતા પ્રજાજનો પ્રશ્નોના સ્થળ ઉપર નિકાલ માટે ટૂંક સમયમાં “મહેસૂલી સેવા મેળા” કે કેમ્પનું જિલ્લાવાર આયોજન કરાશે

પ્રજાકિય પ્રશ્નોનો સંપૂર્ણ સંવેદના સાથે નિકાલ કરવા રાજય સરકારનો મકકમ નિર્ધાર : મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી:જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારીઓની સંયુક્તપણે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ: ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોને ઘર માટે સરળતાથી પ્લોટ મળી શકે તે માટે ગામતળની દરખાસ્તો ૧૦ દિવસમાં નિકાલ કરવા અને જ્યાં ગામતળ ન હોય ત્યાં ૧૫ દિવસમાં દરખાસ્તો મંગાવાશે

ગાંધીનગર : મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ છે કે,રાજયના નાગરિકોને જનસુખાકારીના લાભો સમયસર મળી રહે એ માટે પ્રજાકિય પ્રશ્નોનો સંપૂર્ણ સંવેદના સાથે નિકાલ કરવા રાજય સરકારનો મકકમ નિર્ધાર કરીને આગળ વધી રહી છે ત્યારે રાજયના નાગરિકોએ પણ મહત્તમ લાભો લેવા માટે જરૂરી સહકાર આપવો જરૂરી છે.

આજે મહેસૂલ મંત્રીએ  જિલ્લા કલેકટરઓ અને  પ્રાંત અધિકારીઓની સંયુક્તપણે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક યોજી હતી જેમાં મંત્રીએ નાગરિકોના પ્રશ્નોનો સત્વરે નિકાલ આવે અને બાકી તમામ કામો સમયસર પૂર્ણ થાય તે માટે સૂચનાઓ આપી હતી. તેમણે ઉમેર્યું કે, કોવિડના કપરા સમયમાં મહેસૂલી તંત્ર દ્વારા અને અન્ય તમામ વિભાગો દ્વારા થયેલ સુંદર કામગીરી અભિનંદનને પાત્ર છે. જેના કારણે આજે સમગ્ર દેશમાં ૧૦૦ કરોડ લોકોનું રસીકરણ થઇ શક્યું છે.
મંત્રીએ ઉમેર્યું કે, મહેસૂલી સેવાઓમાં શક્ય હોય ત્યાં સુધી મેટર રીમાઇન્ડ કરવાને બદલે ગુણદોષ પર નિકાલ કરવો, મિલકત બાબતની તકરારમાં અરજી-અપીલ કરવામાં વિલંબ થયો હોય તો વિલંબ અરજી સાથે કરેલ મેરીટ મુજબ નિકાલ કરવો, ચુકાદા ઝડપથી આપવા-સુનાવણી ઝડપથી કરવી. સાંભળવાની તકથી વંચિત રાખવા નહી, જે પ્રશ્નોમાં પ્રજાજનો સીધી રીતે સંકળાયેલા છે તેવી તમામ બાબતો અંગે V.C. માં ઉપસ્થિત તમામ અધિકારીઓને મહેસૂલ મંત્રીએ સંવાદ કરીને પ્રજાના પ્રશ્નો સંદર્ભે સંવેદનશીલ બનીને કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી.
મંત્રીએ આ બેઠકમાં  RTS-મહેસૂલી બાબતોના કેસોની સુનાવણીમાં થતો વિલંબ નિવારવો – હવે કોરોનાની મુશ્કેલી ઓછી થઇ હોવાથી અઠવાડિયામાં મંગળ અને ગુરુવાર એમ બે દિવસ અપીલોની સુનાવણી કરવા તથા દિન-૩ માં જજમેન્ટ આપવું અને શક્ય હોય ત્યાં સુધી ૩ થી વધુ મુદ્દત ન આપવા તેમજ મહેસૂલી વિભાગને લગતા પ્રજાજનો પ્રશ્નોના સ્થળ ઉપર નિકાલ માટે ટૂંક સમયમાં “મહેસૂલી સેવા મેળા” કે કેમ્પનું જિલ્લાવાર આયોજન કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોને ઘર માટે સરળતાથી પ્લોટ મળી શકે તે માટે ગામતળની દરખાસ્તો ૧૦ દિવસમાં નિકાલ કરવા અને જ્યાં ગામતળ ન હોય ત્યાં ૧૫ દિવસમાં દરખાસ્તો મંગાવવા જણાવાયું હતુ. પ્રધાનમંત્રી દ્વારા ૨૦૨૪ સુધીમાં સૌના માટે ઘરનો લક્ષ્યાંક નિયત કરાયો છે. જે સંદર્ભે પડતર શહેરી વિસ્તારની દરખાસ્તોનો ઝુંબેશ સ્વરૂપે નિકાલ કરવા જણાવ્યું હતુ. આ ઉપરાંત જુદા જુદા વિભાગો જાહેર હેતુ માટે થયેલ માંગણીઓ-જેવા કે, આરોગ્ય વિભાગ, પાણી પુરવઠા વિભાગ-માર્ગ મકાન વિભાગ, ઉર્જા વિભાગ વગેરેની દરખાસ્તો તથા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટની દરખાસ્તોનો ખૂબ જ ઝડપથી નિકાલ કરવાનો રહેશે તેવા સૂચનો કર્યાં હતા.
મંત્રી ત્રિવેદીએ બિનખેતીના પ્રકરણોમાં ઔઘોગિક હેતુની જમીનોના પરવાનગીના પ્રકરણોમાં વિલંબ ન થાય અને મીઠા ઉઘોગોની અરજીઓ/ રીન્યુઅલની અરજીઓ ત્વરિત નિકાલ થાય તેની સુચનાઓ આપીને જમીન સંપાદનના પ્રકરણોનો ઝડપથી નિકાલ થાય અને વિલંબના કારણે સરકારશ્રી પર થતું વ્યાજનું ભારણ અટકે તે મુજબ દરખાસ્તોનો તુરંત નિકાલ કરવા જણાવ્યું હતુ. તેમજ નામદાર કોર્ટમાં ચાલતા કેસોમાં સરકાર તરફથી જવાબદાર અઘિકારી ઉપસ્થિત રહીને યોગ્ય વિગતો પૂરી પાડે તેમ ભારપૂર્વક સૂચનાઓ આપી હતી.
આ ઉપરાંત બેઠકમાં રી-સર્વેના કામમાં જિલ્લાવાર મુશ્કેલીઓ અને તેના ઉકેલ માટેના ઉપાયો દરેક કલેકટર પાસેથી દિન-૭માં મંગાવવામાં આવ્યા ત્યારબાદ વિભાગ દ્વારા એક ઉચ્ચ સ્તરીય અધિકારીઓ/ એકસ્પર્ટસની મીટીંગ કરી તે જ ઉકેલ માટેનું આયોજન કરવાનું નકકી થયું હતું. તેમજ તમામ પ્રકારની ધાર્મિક સંસ્થાઓના રખ-રખાવ માટે અપાયેલ જમીનોમાં જો જમીનોની કોઇ બિનઅઘિકૃત વેચાણ/તબદીલી થઇ હોય તો દરેક કલેકટર સુઓમોટો કાર્યવાહી કરી નિયમોનુસાર કરી અત્રે રીપોર્ટ કરવા મંત્રીએ સૂચનાઓ આપી હતી.
સરકારી ગૌચર જમીનોમાં થયેલ દબાણોની નિયમિત સમીક્ષા થાય અને નવા દબાણો ઉપસ્થિત ન થાય તેમજ શહેરી વિસ્તારના પ્રજાજનોને આપવાના પ્રોપર્ટી કાર્ડના કામમાં ઢીલાશ આવી છે. તેમાં ઝડપ લાવવા અને ૧૫ વર્ષે નવી શરતની ખેતીની જમીનમાં સુઓ મોટો જુની શરતમાં ફેરવવાના હુકમોમાં દર માસે રીવ્યુ થાય અને દરેકને સમયસર હુકમો મળે તેવી સુચના પણ તેમણે આપી હતી. ખૂબ અગત્યની બાબત કે RIC (રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનર)  દ્વારા આગામી સપ્તાહે ઉચ્ચ અધિકારીઓ સાથે તેમની ટીમો કોઇપણ જિલ્લામાં ઓચિંતી ચકાસણી માટે આવશે. તેમ તમામ કલેક્ટરોને જણાવ્યું હતુ.
બેઠકના અંતે મહેસૂલ મંત્રી દ્વારા તમામ કલેક્ટરઓને તેમના તરફથી કોઇ મુશ્કેલીઓ હોય, રજુઆત હોય કે, સૂચનો હોય તો કહેવા માટે જણાવાયું. લગભગ તમામ કલેક્ટરશ્રીઓ તરફથી વહીવટી કામગીરીને સરળ કરવાના ખૂબ ઉપયોગી સૂચનો રજુ થયા જેને વિભાગને સંકલિત કરીને ત્વરિત કાર્યવાહી કરવા જણાવાયું હતું.
આ બેઠકમાં ગાંધીનગર ખાતે મહેસૂલ મંત્રી સહિત મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા તમામ જિલ્લા કલેકરઓ તથા પ્રાંત અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સહભાગી બનીને વિચાર વિમર્શ કર્યો હતો.

(7:11 pm IST)