Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

અમદાવાદ મનપાના મહિલા ડે. મેયર ગીતા પટેલને અન્યાય થતા રોષ :કહ્યું : કાર્યક્રમોની જાણ કે આમંત્રણ પણ આપતું નથી

કોરોનાની રસી લેનારા લાભાર્થીઓને ડ્રો કરી મોબાઇલ વિતરણના કાર્યક્રમમાં ખુદ મેયરને બોલાવાયા નહીં : આજના કાર્યક્રમમાં ડે. મેયરને બોલાવ્યા નહીં :ખુદ ડે. મેયર એવું બોલ્યા કે, આવું પાંચ વખત કરાયું

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપના પાંચ હોદ્દેદારો વચ્ચે મનમેળ દેખાતો નથી. અમદાવાદ મ્યુનિ.ના હોદ્દેદારો એકબીજાને ઉતારી પાડવાની કોશિષ કરતા હોય તેવી સ્થિતિ છે. અમદાવાદના મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે આજે શહેરમાં કોરોના રસીકરણની કામગીરી કરતા હેલ્થ વર્કરોનો સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો પણ ડે. મેયર ગીતા પટેલને બોલાવવામાં આવ્યા ન હતા.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના હોદ્દેદારોનો મહિલા ડે. મેયર ગીતા પટેલને અન્યાય કરાયો હોવાની ફરિયાદ ઉઠી છે ખુદ ડે. મેયર મીડિયા સમક્ષ બળાપો કાઢ્યો હતો કે, કાર્યક્રમોની જાણ કરાતી નથી, આમંત્રણ પણ આપતું નથી. તેઓએ રોષ ઠાલવતા એવું પણ કહ્યું હતું કે, આવું પાંચ વાર કરવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં સિનિયર કોર્પોરેટરોને ઘરે બેસાડી નવા નિશાળિયાઓને ટીકીટ આપવાનો દાવ ભાજપને ફળ્યો છે પણ સત્તા હાંસલ કર્યા બાદ વહીવટી પક્કડ અને સૌને સાથે લઈને ચાલવાની નીતિ દેખાતી નથી. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં પાંચ હોદ્દેદારો છે પણ પાંચેય એકબીજાની સ્પર્ધામાં હોય તેવી સ્થિતિ છે.

અમદાવાદ મ્યુનિ.ના તમામ કાર્યક્રમોમાં તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહે તે આવકાર્ય છે સાથે તમામને આમંત્રણ મળે તે પણ આવકાર્ય છે પણ મ્યુનિ.ના કેટલાંક કાર્યક્રમોમાં તો મેયર અને ડે. મેયરને પણ બોલાવવામાં આવતા નથી. આ પહેલા કોરોનાની રસી લેનારા લાભાર્થીઓને ડ્રો કરી મોબાઇલ વિતરણના કાર્યક્રમમાં ખુદ મેયરને બોલાવવામાં આવ્યા નહતા. આજના કાર્યક્રમમાં ડે. મેયરને બોલાવવામાં આવ્યા નહતા. ખુદ ડે. મેયર એવું બોલ્યા કે, આવું પાંચ વખત કરાયું છે.

(7:43 pm IST)