Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં વર્ગ ઘટાડાની કામગીરી સ્થગિત રાખવાનો આદેશ

જો કોઈ જિલ્લામાં વર્ગ ઘટાડા માટે આદેશ કરવામાં આવ્યા હોય તો તે પણ અટકાવી દેવા તાકીદ

અમદાવાદ :રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં વર્ગ ઘટાડાની કામગીરી સ્થગિત રાખવા માટે કમિશનર ઓફ સ્કુલની કચેરી દ્વારા આદેશ કરાયો છે. કોરોનાના કારણે ગતવર્ષે વર્ગ દીઠ વિદ્યાર્થી સંખ્યામાં ઘટાડો કરાયો હતો. આ ઘટાડો ચાલુ વર્ષે પણ યથાવત રાખવા ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે કરેલી માંગણીને લઈને શિક્ષણ વિભાગ સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે, અને હાલમાં આ દરખાસ્ત કાર્યવાહી હેઠળ હોવાથી વર્ગ ઘટાડાની કાર્યવાહી સ્થગિત કરવા માટે પરિપત્ર કરાયો છે. ઉપરાંત જો, કોઈ જિલ્લામાં વર્ગ ઘટાડા માટે આદેશ કરવામાં આવ્યા હોય તો તે પણ સ્થગિત કરવા માટે જણાવાયું છે.

શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ બહાર પાડી શૈક્ષણિક વર્ષ 2020-21માં રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-9થી 12ના વર્ગોમાં વર્ગદીઠ વિદ્યાર્થી સંખ્યામાં છુટછાટ આપવામાં આવી હતી. જેમાં શહેરી વિસ્તારમાં પ્રથમ વર્ગમાં 36ના બદલે 25 વિદ્યાર્થીની સંખ્યા અને એક કરતા વધુ વર્ગો હોય તેવી શાળામાં વર્ગો માટે 60+36ના બદલે 42+25 વિદ્યાર્થી સંખ્યા નિયત કરવામાં આવી હતી. આ જ રીતે ગ્રામ્ય વિસ્તારની વર્ગ સંખ્યામાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ વર્ગમાં 24 વિદ્યાર્થીના બદલે 18 વિદ્યાર્થી સંખ્યા નિયત કરવામાં આવી હતી.

જ્યારે એક કરતા વધુ વર્ગો ધરાવતી સ્કૂલોમાં વર્ગ માટે 60+24ના બદલે 42+18 વિદ્યાર્થી સંખ્યા સાથે વર્ગો ચાલુ રાખવાની મંજુરી આપવામાં આવી હતી. દરમિયાન કોવિડ-19ના સંક્રમણની પરિસ્થિતિ યથાવત રહેવા પામી હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ઠરાવથી જે છુટછાટ મળી હતી તે ચાલુ વર્ષે એટલે કે 2021-22માં પણ યથાવત રાખવા માટે શિક્ષણ વિભાગ સમક્ષ દરખાસ્ત કરવામાં આવેલી છે. હાલમાં આ દરખાસ્ત શિક્ષણ વિભાગમાં કાર્યવાહી હેઠળ છે.

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે આ મુદ્દે શિક્ષણ વિભાગ સમક્ષ ચાલુ વર્ષે પણ વર્ગ ઘટાડા માટે આપેલી છુટછાટ યથાવત રાખવામાં આવે તેવી માંગણી કરાઈ હતી. જોકે, આ માંગણી બાદ પણ ઘણા જિલ્લાઓમાં વર્ગ ઘટાડા માટેની સુનાવણી હાથ ધરાતાં તેમણે ફરી આ મુદ્દે શિક્ષણ વિભાગને પત્ર લખી રજૂઆત કરી હતી અને વર્ગ ઘટાડા માટેની સુનાવણીની કામગીરી સ્થગિત કરવા માગણી કરી હતી.

(10:10 pm IST)