Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

અમદાવાદઃ બહારગામથી આવતા લોકો રેલ્વે સ્ટેશન -એરપોર્ટ ઉપર થયા હેરાન-પરેશાન

કેબ ચાલકોમાં ઉઘાડી લુંટ ચલાવ્યાની ફરિયાદો

અમદાવાદ, તા.૨૧: કર્ફ્યૂને કારણે અમદાવાદમાં દુકાનો, બજારોથી માંડીને રિક્ષાઓ અને બસો પણ બંધ છે ત્યારે શહેરમાં બહારગામથી આવનારા લોકો રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર ઉતરતા જ હેરાન પરેશાન થઈ ગયા છે. કોર્પોરેશન દ્વારા આ બંને સ્થળોએથી લોકોને શહેરના અલગ-અલગ વિસ્તારમાં પહોંચાડવા બસો તો મૂકાઈ છે, પરંતુ તેની યોગ્ય વ્યવસ્થા ના કરાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

રેલવે સ્ટેશન પર આજે સવારની ટ્રેનમાં અમદાવાદ પહોંચેલા કેટલાક લોકોને કલાકથી પણ વધુ સમય સુધી પોતાને જે સ્થળે જવાનું હતું ત્યાં પહોંચવા માટેની બસ શોધવા ભટકવું પડ્યું હતું. કેટલાક કિસ્સામાં તો જે-તે વિસ્તારની બસ ઉપડી જતાં લોકો રઝળી પડ્યા હતા, તો કયાંક લોકોને બસમાં બેસાડી રાખ્યા બાદ બીજી બસમાં બેસી જવા માટે કહેવાયું હતું.

મુસાફરોનો એવો પણ આક્ષેપ છે કે બસોમાં પણ લોકોને ગમે તેમ બેસાડાઈ રહ્યા છે, અને કેટલીક બસો ખીચોખીચ ભરીને જઈ રહી છે જેના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડી રહ્યા છે. દિલ્હીથી આવેલા એક યુવકે જણાવ્યું હતું કે તેને ઈસ્કોન મંદિર જવાનું છે, પરંતુ રિક્ષાઓ બંધ છે અને બસ માટે તે એક કલાકથી ફરી રહ્યો છે, પરંતુ તેનો હજુ સુધી કોઈ પત્તો નથી. ઘોડાસર જવા ઈચ્છતા એક વૃદ્ઘા પણ પોતે કલાકથી પરેશાન થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.

અમદાવાદના એરપોર્ટ પર પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. સવારથી શહેરમાં લેન્ડ થઈ રહેલા લોકો બસોની સુવિધા અપૂરતી હોવાની ફરિયાદ કરી રહ્યા છે. બીજી તરફ, એપ બેઝડ કેબ સર્વિસવાળા ઉદ્યાડી લૂંટ ચલાવી રહ્યા હોવાની પણ ફરિયાદો કરાઈ રહી છે. એક યુવકે જણાવ્યું હતું કે તેણે કેબ બુક કરી તો તેમાં અઢીસો રુપિયા ભાડું બતાવતું હતું. જોકે, બુકિંગ બાદ ડ્રાઈવરે ફોન કરી પોતાને બીજી ટ્રીપ નહીં મળે તેમ કહીને ૬૦૦ રુપિયા માગ્યા હતા.

કેબચાલકો બેફામ ભાડું માગતા હોવાને કારણે મુસાફરોને રાઈડ કેન્સલ કરવાની ફરજ પડી રહી છે. જોકે, અમદાવાદના રેલવે સ્ટેશન કે એરપોર્ટ પરથી જેમને શહેરની બહાર જવાનું છે તેમની હાલત સૌથી વધુ ખરાબ થઈ છે. સ્થિતિ એ છે કે, અમદાવાદના જુદા-જુદા વિસ્તાર માટે તો બસો મૂકાઈ છે, પરંતુ રેલવે સ્ટેશન કે એરપોર્ટથી ઘણા લોકો બીજા જિલ્લા કે અમદાવાદ શહેરની બહાર પણ જતા હોય છે, અને તેમના માટે હાલ કોઈ સુવિધા ઉપલબ્ધ ના હોવાથી તેઓ રઝળી પડ્યા છે.

(3:33 pm IST)