Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

સરકારની કોરોના મહામારી રોકવાની જાહેરાત છતા ભાજપના નેતાઓ પેટાચૂંટણીમાં જીતની ઉજવણીમાં મદમસ્તઃ ગઢડાના ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમારના સુરતના સન્માન રેલી કાર્યક્રમમાં નિયમોનો ભંગ

સુરતઃ કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે અનેક શહેરોમાં કરફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપના નેતાઓ જાતે જ વિજય સરઘસ કાઢીને સરકારના નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવી રહ્યા છે. ગઢડાના ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમારે કોરોનાનું સંક્રમણ વધતા અપાયેલા કરફ્યૂ વચ્ચે પણ સમ્માન સમારંભમાં ભાગ લીધો હતો.

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી 57 કલાકનું કરફ્યૂ લાદવામાં આવ્યો છે. બીજી તરફ સૂરત,વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. સરકારની કોરોના મહામારીને રોકવાની જાહેરાત છતાં ભાજપના નેતાઓ જીતની ઉજવણીમાં મદમસ્ત છે. તાજેતરની પેટા ચૂંટણીમાં ગઢડા બેઠક પરથી જીતેલા ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમારનો સમ્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આટલું જ નહી સુરતના કરંજ ગામમાં પણ આત્મારામે રેલી પણ યોજી હતી. આ સમારંભમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને જેમાંથી મોટાભાગના લોકોએ તો માસ્ક પણ નહતા પહેર્યા અને સોશિયલ ડિસ્ટસિંગનો પણ અભાવ જોવા મળી રહ્યો હતો.

જનતાના સેવક બની બેઠેલા ભાજપના નેતાઓ કોરોના સંક્રમણમાં કરફ્યૂ લાદવામાં આવ્યો હોવા છતાં જ ઠેર ઠેર સમ્માન સમારંભ યોજી રહ્યા છે. હવે સત્તા પર રહેલી ભાજપ સરકાર હોય ત્યારે તેમના નેતાઓને કોણ સમજાવવા જાય. નેતાઓની સાથે સાથે લોકો પણ તેમના ધતિંગમાં જોડાતા જાય છે અને આ મહામારી સામે લડવાની જગ્યાએ ભેગા થઇને તેને એક રીતે આવકારી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે.

અસલી કોરોના સ્પ્રેન્ડર તો રાજકીય નેતાઓ જ છે જેને કારણે ગુજરાતમાં કોરોના સંક્રમણ વધ્યુ છે. ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે પેટા ચૂંટણી યોજી અને પછી અનેક શહેર અને ગામમાં રેલીઓ યોજી લોકોની ભીડ ભેગી કરી હતી. ભાજપ-કોંગ્રેસના નેતાઓ જ કોરોના સુપર સ્પ્રેન્ડર બન્યા છે. કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે સરકારે નવરાત્રિ પર ગરબા રમવા તેમજ દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુક્યો હતો. તેમજ અચાનક સરકાર દ્વારા લાદી દેવામાં આવેલા કરફ્યૂ વચ્ચે અનેક લગ્નો અટવાઇ પડ્યાં છે તેમજ લોકોને ફરી લોકડાઉનની જેમ ઘરમાં કેદ દીધા છે અને બહારથી આવતા સેંકડો લોકોને રસ્તા પર રઝળતા કરી દીધા છે. જોકે, તેમ છતા નેતાઓ ખુલ્લેઆમ રેલી અને સમ્માન સમારંભનું આયોજન કરી રહ્યા છે જેને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે અસલી કોરોના સુપર સ્પ્રેન્ડર તો આ નેતાઓ જ છે છતા પણ તેમની સામે કેમ કોઇ પગલા ભરવામાં આવતા નથી. પોલીસના દંડા પણ શું અમારા જેવા સામાન્ય લોકોને જ ખાવાના, બંધારણ શું માત્ર સામાન્ય લોકો માટે જ છે.

(5:01 pm IST)