Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

નડિયાદના પીજ રોડ પર બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 7700ની મતાની ઉઠાંતરી કરી

નડિયાદ:શહેરના પીજ રોડ ઉપર આવેલા એક બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો ઘરના મુખ્ય દરવાજાની સ્ટોપરનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી તિજોરીમાં મૂકેલ રોકડ તેમજ ચાંદીના છડા અને કંઠી મળી કુલ રૂ.૭૭૦૦ની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ નડિયાદમાં પીજરોડ પર આવેલ શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં ડેનીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન નડિયાદ તાલુકાના સુરાશામળ ગામની સીમમાં એ ડી બ્રધર્સ નામનું પોલ્ટ્રીફાર્મ ચલાવે છે. ઘણી વખત તો ડેનીસભાઈ તેમના પોલ્ટ્રીફાર્મમાં બે-ત્રણ દિવસ સુધી રોકાતો હોય છે. એવા સમયે ડેનીસની પત્ની અપેક્ષાબેન પણ ઘરને તાળુ મારી પોલ્ટ્રીફાર્મ જતી હોય છે. ગત તા.૧૭-૧૧-૨૦ ના રોજ ડેનીસ સુરાશામળ ખાતે પોતાના પોલ્ટ્રીફાર્મમાં રોકાવાના હોઈ તેમની પત્ની સાંજના સમયે ઘરને તાળુ મારી પોલ્ટ્રીફાર્મ ગયાં હતાં. અને ત્યાં તેઓ બે દિવસ રોકાયાં હતાં. તેઓ તા.૧૯-૧૧-૨૦ ના રોજ સવારના સમયે નડિયાદ ખાતેના ઘરે zપરત ફર્યાં હતાં. તે વખતે વરંડાનો ઝાંપો ખુલ્લી હાલતમાં હતો. તેમજ ઘરના મુખ્ય દરવાજાનો સ્ટોપરનો નકુચો તૂટેલો હોઈ તેઓ ચોંકી ઊઠ્યાં હતાં. તેઓ બંનેએ ઘરમાં પ્રવેશી જોતાં સમસામાન વિખેરાયેલો પડ્યો હતો. અને તિજોરીનું લોક તૂટેલી હાલતમાં હતું. જે ખોલી ચેક કરતાં તેમાંથી બે જોડી ચાંદીના છડા કિંમત રૂ.૪૦૦૦, ચાંદીની કંઠી કિંમત રૂ.૨૦૦૦ તેમજ રોકડા રૂ.૧૭૦૦ મળી કુલ રૂ.૭૭૦૦ની મત્તા ચોરાઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ બનાવ અંગે ડેનીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનની ફરિયાદને આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે અજાણ્યાં તસ્કર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:15 pm IST)