Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો જનહિતકારી નિર્ણય

ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓ “મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના” અંતર્ગત ૧૦૦ ટકા પેનલ્ટી માફી તા. ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી મળી શકશે: રિ-ડેવલપમેન્‍ટ પ્રક્રિયાને વેગ મળશે : સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનારા લાભાર્થીઓ માટે વાર્ષિક ૮ ટકાના વ્યાજ દરે પેનલ્ટીની જોગવાઇના કારણે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો અભૂતપૂર્વ નિર્ણય

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના અન્‍વયે તા. ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી ૧૦૦ ટકા પેનલ્ટી માફી આપવાનો જનહિતલક્ષી નિર્ણય કર્યો છે.

વધુમાં વધુ લાભાર્થીઓ લાભ મેળવી શકે તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવીને બાકી હપ્તાની રકમ ભરપાઇ કર્યેથી ૧૦૦ ટકા પેનલ્ટી માફી યોજના “મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના” તા. ૩૧ માર્ચ ૨૦૨૪ સુધીના સમય માટે જાહેર કરી છે.

મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની જુની યોજનાઓમાં બાકી રહેતા લાભાર્થીઓના પરિવારજનોને પણ લાભ મળી શકશે.

એટલું જ નહિ, સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનારા લાભાર્થીઓ માટે પણ વાર્ષિક ૮ ટકા વ્યાજના દરે પેનલ્ટીની જોગવાઇને લીધે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો અભૂતપૂર્વ નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આ પ્રજાલક્ષી નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડને બાકી હપ્તાની વસુલાત થશે અને નવા આવાસોના આયોજન માટે આર્થિક વેગ મળશે.

આ ઉપરાંત મકાન ધારકોને પેનલ્ટી માફી મળતાં હપ્તા પેટેની રકમ તેઓ ભરીને પોતાનો માલિકી દસ્તાવેજ કરાવી શકશે. આના પરિણામે હાઉસીંગ બોર્ડના જૂના મકાનોનું રિ-ડેવલપમેન્‍ટ પણ હાથ ધરી શકાશે.

 

(6:37 pm IST)