Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

લગ્નના સાત ફેરા પહેલા ર૧ છાત્રાઓના નામે બેંક એફડી

વડોદરાના સામાજીક કાર્યકર નિશિતા નવો રાહ ચિંધે છેઃ અત્યાર સુધીમાં ૩૦ હજાર બાળકીઓની સ્કૂલ ફી ભરી

વડોદરા તા. રરઃ લગ્ન માટે જમા કરેલ પૈસાની બચતને બાળકીઓ ઉપર ખર્ચ કરી વડોદરાની સામાજીક કાર્યકર્તા નિશિતા રાજપૂતે સમાજને અનોખો સંદેશ આપ્યો છે. ર૧ જાન્યુઆરીએ લગ્નના ફેરા લેતા પહેલા નિશિતાએ ર૧ વિદ્યાર્થીનીઓને નામે પ-પ હજાર રૂપિયાની ફિકસ ડીપોઝીટ કરાવેલ.

રાજપીપળા નિવાસી ભૂમિરાજસિંહ સાથે વિવાહ બંધનમાં બંધનાર નિશિતાએ જણાવેલ કે લગ્નનાં બજેટમાં ૩ લાખની બચત થતા મે અને મારા જીવનસાથીએ આ રકમ ગરીબ બાળકીઓના શિક્ષણ ઉપર ખર્ચ કરવાની યોજના બનાવી હતી. એફડીની સાથે આ છાત્રાઓના ભણતરનો ખર્ચ પણ નિશિતા ઉઠાવી રહી છે.

નિશીતા રપ૧ વિદ્યાર્થીનીઓની સ્કૂલ ફી પણ જમા કરાવશે. અત્યાર સુધીમાં નિશિતાએ ૩૦ હજાર વિદ્યાર્થીઓની ફી ભરી છે. બેટી બચાઓ-બેટી પઢાઓના સૂત્ર ઉપર ૧૦ વર્ષથી સેવા કરતી નિશીતાએ ૩ કરોડ જેટલી ફી વિદ્યાર્થીનીઓ માટે ભરી છે. જેથી બાળકીઓનો અભ્યાસ ફી ના લીધે ન છુટી જાય. પ્રતિ વર્ષ ૧૦ હજાર બાળકીઓની ફી ભરવાના લક્ષ્ય લઇને ચાલતી નિશિતાને દાતાઓ પણ ખુબજ મદદ કરે છે.

ઉપરાંત ૧ર વર્ષોથી નિશિતા ગરીબ-મધ્યમ વર્ગની બાળકીઓના જન્મ દિવસે કેક, દિવાળીએ નવા કપડા, ગૌરી વ્રતે સુકો મેવાનું વિતરણ કરે છે. ઉપરાંત બાળકીઓની માતાને સ્વરોજગારી માટે સીવણ મશીન આપે છે.

(12:56 pm IST)