Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

એલ.આર.ડી. ઉમેદવારોની અન્ન-જળ ત્યાગની ચિમકી : તંત્રની મુશ્કેલી વધી

અમદાવાદ, તા., ૨૨: રાજયમાં કોરોના કાળમાં પણ આંદોલનો સમવાનું નામ નથી લેતા જેણે સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે.

એલઆરડી પુરૂષ ઉમેદવારોએ ભરતી બાબતે અન્ન જળ ત્યાગ કરવાની ચીમકી આપતા ચકચાર મચી જવા પામી છે. છેલ્લા ઘણા સમયથી એલઆરડી પુરૂષ ઉમેદવાર તેમની બેઠક વધારવાના મામલે આંદોલન કરી રહયા છે. પણ તેમની સમસ્યાનું નિરાકરણ નહી આવતા તેઓએ ચીમકી  ઉચચારી છે.

પોલીસ દ્વારા તેમની વારંવાર અટકાયત કરી ઘરે પરત કરી દેવામાં આવે છે. ગુજરાતમાં પોલીસમાં એલઆરડીની ભરતી પ્રક્રિયા વખતે ૯૭૧૩ જેટલા ઉમેદવારોની જગ્યા પાડવામાં આવી હતી. જે પૈકી ૬૬૩૬ જગ્યાઓ પુરૂષો માટે તથા ૩૦૭૭ જેટલી જગ્યાઓ મહીલાઓ માટે અનામત રાખવામાં આવી હતી. પરંતુ આ મામલે મહિલા ઉમેદવારોએ વિરોધ કરતા સરકાર નિર્ણય લઇ ર૪૮પ બેઠકો વધારી દીધી હતી.

જેથી મહિલાઓને મળેલા ૩૩ ટકા આરક્ષણની જગ્યાએ ૪૬ ટકા શીટો રીઝર્વ થઇ ગઇ હતી. જેથી પુરૂષ ઉમેદવારો ગાંધીનગર ખાતે અવાર-નવાર આંદોલન કરી  ચુકયા છે. સૂત્રો અનુસાર અનલોક બાદ એલઆરડી પુરૂષ ઉમેદવારોની આંદોલન ચલાવે એ પહેલા જ તેમની અટકાયત કરી દેવામાં આવે છે.

છેલ્લા ૧૦ દિવસમાં ૧૦૦ થી વધુ આંદોલનકારી ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી. જેથી આ મામલે આગામી સમયમાં એલ.આર.ડી. ઉમેદવારોએ અન્ન-જળ ત્યાગની ચીમકી ઉચ્ચારી છે.

(3:58 pm IST)