Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

તમામ ૬ નગરપાલિકામાં કેસરીયો લહેરાશે : ૪૩૧ થી ૪૪૧ બેઠકો પર વિજય

બુકી બજારના મતે મતદાન બાદ ભાજપને કોઈ મોટો ફટકો પડ્‍યો નથી : રાજકોટમાં ૫૨ થી ૫૪ની જગ્‍યા એ હવે ૫૧ થી ૫૩ બેઠકનો વરતારો : રાજકોટમાં ૫૧ થી ૫૩ બેઠકો, સુરતમાં ૯૦ થી ૯૩, અમદાવાદમાં ૧૫૧ થી ૧૫૪ વડોદરામાં ૬૧ થી ૬૩, ભાવનગરમાં ૩૫ થી ૩૭ અને જામનગરમાં ૪૧ થી ૪૩ બેઠક પર ભગવો લહેરાશે

રાજકોટ તા. ૨૨ : ગઈકાલે ગુજરાતની ૬ મહાનગરપાલિકામાં યોજાયેલા મતદાન બાદ પણ બુકી બજારનાં વરતારામાં કોઈ જાજો તફાવત જોવા મળી રહ્યો નથી. સટ્ટાબજારનાં મતે તમામ ૬ મહાનગરપાલિકામાં થઈને ભાજપને કુલ ૪૩૧થી ૪૪૧ બેઠકો પર ભગવો લહેરાઈ શકે છે. રાજકોટમાં અગાઉ બુકી બજાર ભાજપને ૫૨ થી ૫૪ બેઠક આપી રહ્યો હતો. જેમાં મતદાન બાદ ભાજપને ૨ બેઠક ઓછી આંકી હવે ૫૧ થી ૫૩ બેઠક મળશે તેમ જણાવી રહ્યા છે. સટ્ટાબજારનાં મતે ભાજપને રાજકોટમાં ૫૧ થી ૫૩, સુરતમાં ૯૦ થી ૯૩, અમદાવાદમાં ૧૫૧ થી ૧૫૪, વડોદરામાં ૬૧ થી ૬૩, ભાવનગરમાં ૩૫ થી ૩૭ અને જામનગરમાં ૪૧ થી ૪૩ બેઠકો મળવાની ધારણા બાંધી રહ્યા છે અને આ મુજબનાં કરોડોનાં સોદાઓ થઈ રહ્યા છે.

ગઈ મોડી રાતનાં બુકી બજારએ જે આંકડાઓ બજારમાં વહેતા મૂકયા છે જે ઉપર મુજબ છે, પરંતુ આજે તમામ ૬ મહાનગરપાલિકાઓમાં જીણવટભર્યો અભ્‍યાસ થઈ રહ્યો છે અને તેના આધારે થોડી મોટી વધઘટ થઈ શકે છે અને ભાવ તથા બેઠકોમાં વધઘટ થઈ શકે છે.

જોકે બુકી બજારમાં પણ થોડા મતમતાંતર પ્રવર્તી રહ્યા છે. ગઈકાલે ઈલેક્‍ટ્રોનિક મીડિયા સમક્ષ મતદારોએ જે મૂદાઓ પર વધુ ભાર મૂકયો છે જેમકે ગેસ, પેટ્રોલ-ડીઝલ મોંઘવારી , ઈ-મેમો પોલીસની વધુ પડતી સખ્‍તાઈ આ બધા મૂદા ચૂંટણી પરિણામમાં કેટલી અસર કરે છે તેનો અંદાજ કાઢવા બાબતે બુકી બજારમાં પણ એક ભય પ્રવર્તી રહ્યો છે.

રાજકોટ સહિતની તમામ ૬ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ ભાજપ કે કોંગ્રેસની પેનલો કે વ્‍યક્‍તિગત ઉમેદવારોની હાર-જીત અંગે કોઈ ભાવ જાહેર થયા નથી કે બોલાય રહ્યા નથી આ અંગેનાં કોઈ સોદા થતાં નથી પરંતુ વ્‍યક્‍તિગત રીતે કયાંક જુગાર રમાઈ રહેતો હોવાનું મનાઈ છે.

બુકીબજારમાં છાનાખૂણે જબરો ભય

ગઈકાલનાં ૬ મહાનગરપાલિકાની ચૂંટણીનાં મતદાન પહેલા અને પછી બુકીબજાર તમામ શહેરોમાં ભાજપનો કેસરીયો લહેરાશે તેવું સ્‍પષ્ટ કહી રહ્યા છે આજે તમામ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ બેઠકોમાંથી ૪૩૧ થી ૪૪૧ બેઠકો ભાજપ લઈ જશે તેવું હજુ પણ  સ્‍પષ્ટ જણાવે છે પરંતુ રાજકોટ સંહિત ગુજરાતનાં અડધો ડઝન જેટલા બુકીઓનાં મનમાં હજુ પણ છાનાખૂણે સ્‍પષ્ટ ભય રહેલો છે કે જે સ્‍ટાઈલથી મતદાન થયું છે તે જોતાં નારાજગી ,રોષ વિગેરે જોતાં પેટ્રોલ-ડિઝલ, મોંઘવારી, ઈ મેમો, પોલીસનાં ભાંઠા અને લોકડાઉન સમયની બેબસ્‍તા, લાચારી અને હેરાનગતિ જો મત પેટીમાં નજરે પડશે તો બુકીબજાર ઉંધા માથે પટકાશે. ટૂંકમાં કહીએ તો મોટા નેતાઓ, કાર્યકરો, ઉમેદવારો, બુકીઓ તજજ્ઞો અને જુગારીઓ ખોંખારો ખાઈને વટભેર કહી શકતા નથી કે ચૂંટણી પરિણામ આમ જ હશે.

 

(11:10 am IST)