Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

કોરોના કાળમાં પણ સારૂ મતદાન થયુ : પાટીલ

તમામ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપ જ જીતશે, મતદારોનો આભાર માનતા પ્રદેશ પ્રમુખ

નર્મદા : તાપી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉચ્છલ ખાતે આયોજીત વિજય વિશ્વાસ સંમેલન અને પેજ સમિતિ કાર્ડ વિતરણ સમારોહ માં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહ્યા હતા, તેમણે કાર્યકરોને કાર્ડ વિતરણની સાથોસાથ લોકોને સરકારની યોજનાકીય માહિતીની સીધી સમજ આપવાની અપીલ કરી હતી. મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ તમામ સીટો પર વિજય થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. આ ઉપરાંત આવનાર તાલુકા,જિલ્લા તેમજ નગર પાલિકાની ચૂંટણીમાં પણ ભવ્ય વિજય મેળવશે તેવું કાર્યકરોને હાકલ કરી હતી.

અત્રે નોંધનીય છેકે તાપી જિલ્લા પંચાયત પર કોંગ્રેસનો કબજો છે. તો વ્યારા નગર પાલિકામાં ભાજપનો કબજો રહ્યો છે, પ્રદેશ પ્રમુખની ઉચ્છલની સભા તાપી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે ભાજપ પક્ષે કેટલી સફળ રહશે તે તો આગામી સમય જ બતાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે રાજ્યભરમાં મતદાન અંગે કહ્યું હતું કે ગત ટર્મ વખતે ૩૫ ટકા જેટલું મતદાન હતું ત્યારે આ વખતે ૫૦ ટકા જેટલું મતદાન થયું છે. તમામ ૬ મહાનગર પાલિકા ભારતીય જનતા પાર્ટી ૧૦૦ ટકા લઇ જશે એમ જણાવ્યું હતું. કોરોના કાળમાં આ વખતે સારું મતદાન થયું છે અને તેમને મતદારોનો આભાર માન્યો હતો અને જે મતદાન થયું છે તેનો સીધો ફાયદો ભાજપને થશે.

(11:38 am IST)