Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

પંચાયતોમાં ગ્રાન્ટ ફાળવણીની પધ્ધતિ અને પ્રમાણમાં ધરખમ ફેરફાર

૧પમાં નાણાપંચમાંથી ગ્રામ પંચાયતોને ૭૦ ટકા, તાલુકા પંચાયતોને ર૦ ટકા અને જિલ્લા પંચાયતોને ૧૦ ટકા નાણા ફાળવાશેઃ સઘળો વહીવટ ઓનલાઇન : આવતી તા. ૧ એપ્રિલથી અમલઃ નવા નાણાકીય વર્ષ માટે રૂ. ર૪૦૦ કરોડ જેટલી રકમ આવશેઃ ૬૦ ટકા રકમ પાણી-સેનિટાઇઝેશન માટે વપરાશે

રાજકોટ તા. રરઃ ભારત સરકારે નકકી કર્યા મુજબ તા. ૧ એપ્રિલ ર૦ર૧ થી ૧પમાં નાણાપંચની ગ્રાન્ટ ફાળવણીમાં આવતા પાંચ વર્ષ માટે ધરખમ ફેરફારો આવી રહ્યા છે. અત્યાર સુધી તમામ રકમ ડી.ડી.ઓ. મારફત માત્ર ગ્રામ પંચાયતોને મળતી તેના બદલે વિવિધ સ્તરની પંચાયતો માટે ગ્રાન્ટ વહેંચણીનું ધોરણ નકકી કરાયું છે. ચેકથી ચુકવણાના બદલે સઘળો વહીવટ ઓનલાઇન થઇ જશે.

પંચાયતના વર્તુળોના જણાવ્યા મુજબ હવેથી ૭૦ ટકા રકમ ગ્રામ પંચાયતોને ર૦ ટકા તાલુકા પંચાયતોને અને ૧૦ ટકા જિલ્લા પંચાયતોને મળશે કુલ રકમમાંથી ૬૦ ટકા પાણી પુરવઠા અને સેનીટેશનના કામોમાં વપરાશે. સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી જે તે પંચાયત દ્વારા એજન્સીને ચુકવણુ અને ઓડીટ તે બધું જ ઓનલાઇન થશે. ૧પમાં નાણાપંચની ગ્રાન્ટ જે તે તાલુકા જિલ્લા અને ગ્રામ પંચાયતના ખાતામાં સીધી જમા થશે. ગુજરાતને ગયા વર્ષે રૂ. ૩૧૯પ કરોડ ફાળવાયેલ. આ વખતે ર૦ર૧-રર ના વર્ષ માટે રૂ. ર૪૦૦ કરોડ જેટલી રકમ ફાળવાયેલ છે. આરોગ્ય, શિક્ષણ વગેરે ક્ષેત્રે આ ગ્રાન્ટ ઉપરાંત વધારાનાં નાણા કેન્દ્ર સરકાર રાજયોને બજેટમાં ફાળવશે. ગ્રાન્ટની પધ્ધતિમાં ફેરફારથી સંતુલિત વિકાસને વેગ મળશે. વહીવટી પ્રક્રિયા વધુ પારદર્શક અને ઝડપી બનશે.

(3:52 pm IST)