Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

મનસુખ વસાવા ભાજપના પોપટ છેઃ બીટીપીના ધારાસભ્‍ય છોટુ વસાવાના આક્ષેપથી ખળભળાટ

રાજપીપળા: ગુજરાત ભાજપના સિનિયર સાંસદ મનસુખ વસાવા અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા વચ્ચે સોશિયલ મીડિયામાં અવારનવાર યુદ્ધ ચાલ્યા જ કરતું હોય છે. ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાને છોટુભાઈ વસાવાએ ભાજપના પોપટ ગણાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ બન્ને નેતાઓ એકબીજાને આવા અનેક વિશેષણથી સંબોધતા હોય છે.

રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા ભાજપે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની જાહેરસભાનું આયોજન કર્યું હતું. જેમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પોતાના વિરોધીઓને આડેહાથ લીધા હતા. પોતાના આક્રમક સંબોધનમાં એમણે BTPના છોટુ વસાવાને આદિવાસીઓને ઠગનારા તથા ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાને મચ્છર ગણાવ્યા હતા. મનસુખ વસાવાએ એમ પણ જણાવ્યું હતું કે, છોટુભાઈ અને મહેશ વસાવા કાચિંડાની જેમ રંગ બદલે છે.

ભાજપ સાંસદ મનસુખ વસાવાના આ નિવેદન બાદ BTP MLA છોટુ વસાવાએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી સણસણતો જવાબ આપ્યો છે. છોટુભાઈએ મનસુખ વસાવાની પોપટ સાથે સરખામણી કરી દીધી છે. એમણે જણાવ્યું કે, મનસુખ વસાવા સાંસદ નથી પણ બંધુઆ જોકરની જેમ ભાજપનો એક પોપટ છે. જે અનુસૂચિ 5 અને ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે કઈ બોલતો નથી. ભાજપ સાંસદ મનસુખ વસાવા અને BTPના છોટુ વસાવા વચ્ચે ફરીથી સોશિયલ મીડિયામાં શરૂ થયેલું આ યુદ્ધ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

(5:55 pm IST)