Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

સાઉથ આફ્રિકાના કોન્સુલ જનરલ મીસ એન્ડ્રી કુહ્‌ન 'સુરત સ્પાર્કલ 'માં ગુજરાતી જવેલરી જોઈને મંત્રમુગ્ધ

કોન્સુલ ઇકોનોમી ડીન હોફ અને બિઝનેસ ડેવલપમેન્ટ એડવાઇઝર રાજન કુમારે પણ સ્પાર્કલ પ્રદર્શનમાં વિવિધ પ્રકારની ડાયમંડ જ્વેલરી નિહાળી: બંને દેશ વચ્ચેના ટ્રેડ અને રફ ડાયમન્ડની પ્રક્રિયા સરળ કરવા ચર્ચા

સુરતઃ સાઉથ આફ્રિકાના મુંબઇ સ્થિત કોન્સુલ જનરલ મીસ એન્ડ્રી કુહ્‌નએ સુરત સ્પાર્કલની મુલાકાત લીધી હતી. તેઓ ગુજરાતી જ્વેલરી જોઇને મંત્રમુગ્ધ થઇ ગયા હતાં. સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન ‘સુરત સ્પાર્કલ’નું ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આયોજન કરાયું હતું

સાઉથ આફ્રિકન કોન્સુલેટ જનરલે મુંબઇના કોન્સુલ જનરલની સાથે કોન્સુલ ઇકોનોમી ડીન હોફ અને બિઝનેસ ડેવલપમેન્ટ એડવાઇઝર રાજન કુમારે પણ સ્પાર્કલ પ્રદર્શનમાં વિવિધ પ્રકારની ડાયમંડ જ્વેલરી નિહાળી હતી

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, સુરતમાં આફ્રિકાની ખાણમાંથી રફ ડાયમંડ કટ એન્ડ પોલીશ્ડ માટે આવતા હોય છે. આથી ખાણમાંથી સુરત સુધી રફ ડાયમંડ આવવા માટેની પ્રક્રિયામાં સરળીકરણ કેવી રીતે લાવી શકાય? તે અંગે કોન્સુલ જનરલ સાથે મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકા અને દક્ષિણ ગુજરાત વચ્ચે ડાયમંડ તથા એગ્રીકલ્ચર ક્ષેત્રે વ્યાપાર વધારવાની દિશામાં પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ભારત આફ્રિકા વચ્ચે ટ્રેડ વિશેની ચર્ચા બાદ કોન્સુલ જનરલ સહિતના સાઉથ આફ્રિકાના ડેલીગેશને સ્પાર્કલ પ્રદર્શનમાં જુદા–જુદા સ્ટોલની મુલાકાત લીધી હતી. સ્ટોલમાં મુકવામાં આવેલી બધા જ પ્રકારની ડાયમંડ જ્વેલરી તેમને આ પ્રદર્શનમાં નિહાળી હતી. ખાસ કરીને ગુજરાતમાં જ બનતી અને વિશ્વભરમાં પ્રસિદ્ધ હેન્ડ મેઇડ જ્વેલરી જોઇને તેઓ મંત્રમુગ્ધ થઇ ગયા હતા

(7:03 pm IST)