Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

રાજપીપળા નગરપાલિકાના ઈતિહાસમાં પહેલી વાર જનહીત રક્ષક પેનલ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગરપાલિકાની ચુંટણીની તારીખને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હાલમાં રાજકારણ ગરમાયુ છે. રાજપીપળા પાલિકા ચૂંટણીમાં આ વખતે ભાજપની સીધી ટક્કર જનહીત રક્ષક પેનલ સામે છે.રાજપીપળા પાલિકામાં ભાજપ દ્વારા કથિત ભ્રષ્ટાચાર કરાયો હોવાના અનેક આક્ષેપો લાગ્યા છે.રાજપીપળા પાલિકા ચૂંટણી માટે જનહીત રક્ષક પેનલ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો છે.
      જનહીત રક્ષક પેનલના મુખ્ય કન્વીનર નિલેશસિંહ આટોદરિયા,હરદીપસિંહ સિનોરા, મીનાક્ષીબેન આટોદરિયા અર્ચનાબેન વસાવા,દત્તાબેન ગાંધી,જનક ભાઈ બારોટ, દક્ષાબેન તડવી,યુવરાજ સોની,રાજેન્દ્રસિંહ ગોહિલ, નિમેષભાઈ પંડ્યા,અલ્પાબેન માછી,સુમિત્રાબેન રાઉલ, અતુલભાઈ કાછીયા, પ્રેમશરણ પટેલ,મીનાક્ષીબેન માછી, દક્ષાબેન કાછીયાએ પાલિકાના વિકાસ માટે ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો.
       આ ચુંટણી ઢંઢેરામાં એક ફોન કોલથી પ્રજાની સમસ્યાનો ઉકેલ,જનતાની પ્રાથમિક જરૂરિયાત માં આવતા લાઈટ, પાણી અને સફાઈની સુવિધા માટે રાજપીપળા નગરપાલિકાનો એક ફોન નંબર જાહેર કરવામાં આવશે.જેના પર એક કોલ કરવાથી એક કે બે કલાકમાં જ પાલિકા કર્મચારી સમસ્યાનો ઉકેલ લાવશે.
જન્મ મરણનો દાખલો તથા લગ્નની નોંધણી ફોન પર જાણ કરવાથી નગરપાલિકા રૂબરૂમાં આવી ખરાઈ કરી ટૂંક સમયમાં જ દાખલો પહોંચી જશે,રાજપીપળા નગર પાલિકામાં વિવિધ સરકારી યોજનાઓની અને સરકારી સહાયની માહીતી માટે પાલિકા દ્વારા એક હેલ્પ લાઈન શરૂ કરવામાં આવશે.રાજપીપળામાં સર્વ સંમતિથી વેપારીઓ અને જનતાના સૂચનો મુજબ વન-વે, નો ફોર વહીલ ઝોન અને અલગ પાર્કિગ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે.દરેક વોર્ડમાં લોકોની માંગણી અનુસાર પ્રાથમિકતાના ધોરણે વિકાસના કામો કરવામાં આવશે અને જે તે સ્થળે કામની ગુણવત્તાને લગતુ બોર્ડ મુકવામાં આવશે વોર્ડના નવા કામો માટે વોર્ડ સમિતિની રચના કરવામાં આવશે, એમની દેખરેખ હેઠળ કામો કરવામાં આવશે .રાજપીપળાની વિવિધ ઐતિહાસિક ઈમારતોને પર્યટક સ્થળ તરીકે કસાવાશે.               

   વિનાયક રાવ ગાર્ડનને મનોરંજન માટેનું આદર્શ સ્થળ બનાવાશે. રાજપીપળા શહેરના દરેક નગરજનોના સપનાનું નગર બનાવવા ગ્રીન રાજપીપળા, ક્લીન રાજપીપળા સાથે રળિયામણું નગર બનાવી રહેવા અને જોવા લાયક શહેર બનાવીશું.નિવૃત જજ, ચાર્ટડ એકાઉન્ટન્ટ,સિવિલ એન્જીનીયર ,વેપારી મંડળના આગેવાનો અને શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની સમિતિ બનાવી છેલ્લા 5 વર્ષમાં થયેલા કામોની ગુણવત્તાની તપાસ કરાવી ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં આવશે અને નાણાકીય વસુલાત દ્વારા નગરપાલિકાની તિજોરી ભરવામાં આવશે.જેથી નગરપાલિકાની આર્થિક સ્થિતિ સુધરે અને પ્રજા પર ઠોકી બેસાડેલા વિવિધ વેરા ઘટાડી શકાય.સાથે સાથે ફ્રી મેડિકલ કેમ્પ જુદી જુદી સામાજિક સંસ્થાઓના સહયોગથી દર મહિને આયોજન કરવામાં આવશે.

(11:48 pm IST)