Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

કોરોના દર્દીઓને નવજીવન આપવા માટે વડોદરાનાં ૧૩૦ પોલીસ સ્ટાફ અધિકારીઓ પ્લાઝમાં ડોનેટ કરશે

૨૫૦ જેટલા સંક્રમિત થયા છે, પોલીસ કમિશનર શમશેર સિંઘના વિચારને તુરંત વધાવી લેવાયો : અભૂતપૂર્વ નિર્ણય : કન્ટ્રોલ રૂમ સેવાઓનું ફલક વિસ્તર્યું : દૂધ, મેડિકલ ઇમરજન્સી, તાકીદના પ્રવાસ સમયે મદદ સાથે પ્લાઝમા ડોનર શોધવા માટે લોકોની વહારે

રાજકોટ,તા.૨૨: પોલીસ કન્ટ્રોલરૂમ ખરા અર્થમાં લોકો માટે તાકીદની પરિસ્થિતિમાં ખરા અર્થમાં મદદરૂપ બની રહે તે માટે પોલીસ કન્ટ્રોલ રૂમને સંકટમોચક બનાવનાર વડોદરાનાં પોલીસ કમિશનર શમશેરસિંહ દ્વારા હવે કોવિડ દર્દીઓનો જીવ બચાવવા માટે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યેથી પોલીસ આવા પ્લાઝમા ડોનરને શોધી આપશે,તેમ વડોદરા પોલીસ કમિશનર શમશેર સિંઘ જણાવે છે.

અત્રે યાદ રહે કે તાકીદની કે મેડિકલ ઇમરજન્સી સમયે લોકોને તુરત પોલીસ વાહનની મદદ રહે તે પ્રકારે હાલમાં કન્ટ્રોલ રૂમ સેવા આપી રહી છે,તાજેતરમાં જ એક નર્સને હોસ્પિટલે પહોંચાડવા કન્ટ્રોલ રૂમ દ્વારા મદદ થયેલ, આ તો ફકત એક ઉદાહરણ છે ,તાજેતરમાં જ એક દર્દીને શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાય હતી. ૧૦૮ ખૂબ વ્યસ્ત હોવાથી સંપર્ક થતો ન હતો સીપી દ્વારા હોસ્પિટલે પોલીસ મારફત પહોંચાડેલ. વાત અહીથી અટકતી નથી ઝારખંડ જવા માગતા કેટલાક લોકો ગોલ્ડન ચોકડી પર્ ફસાયેલ લોકોને રેલવે સ્ટેશને પણ પહોંચાડેલ.

અત્રે યાદ રહે કે વડોદરામાં ઉચ્ચ અધિકારથી માંડી પોલીસ કોન્સ્ટેબલ સુધીના ૨૫૦ અધિકારી સ્ટાફ લોકોના જીવ બચાવવા માટે સતત ફરજ પર્ રહેવાને કારણે સંક્રમિત બન્યો છે,આવા સ્ટાફ કે અધિકારીઓ પ્લાઝમા સ્વેચ્છાએ ડોનેટ કરે તો ઘણા લોકોને નવજીવન મળે તેવો પોલીસ કમિશનર શમશેર સિંઘ દ્વારા વિચાર વહેતો થયો, અને આ ઉમદા સેવા કાર્ય માટે ૧૩૦ જેટલા પોલીસ સ્ટાફ અને અધિકારીઓ તુરત તૈયાર થયા, આ માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવાઈ તે માટે ટેકનોસેવી સીપી દ્વારા ઓન લાઈન આખી ચેનલ અને સંકલન ગોઠવી તબીબો,સંસ્થાઓ સાથે બેઠક કરી અને ખાસ ઊભી થયેલ શી ટીમ દ્વારા વ્યવસ્થા ગોઠવતા લોકો પણ પોલીસ પર આફ્રિન પોકારી ઊઠયા છે.

(5:49 pm IST)