Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

પ્રાંતિજ લગ્નના વરઘોડા દરમિયાન કોરોના ગાઈડલાઈનનો ભંગ થતા વરઘોડો અટકાવી પોલીસે વરરાજા- તેના પિતા - ફોટોગ્રાફર સહિતના લોકો સામે કાયદેસર ગુન્હો નોંધ્યો

ડીજે નો સામાન પણ જપ્ત કરી કુલ ૧૭ લોકો સામે ગુન્હો નોંધ્યો : ૫૦ ની સંખ્યા સામે વરઘોડામાં ૩૦૦ થી વધુ જોડાયા પોલીસે અટકાવતા મચી ભાગમભાગ..

રાજયમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને પગલે સરકાર દ્વારા લગ્નમાં ફકત 50 લોકોને જ પરવાનગી આપી છે. ત્યારે આજે પ્રાંતિજમાં વરધોડો જઈ રહ્યો હતો ત્યારે પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં 17 લોકો સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો હતો અને ડીજે સહિત તમામ સાધનો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા.

ગતરોજ પ્રાંતિજના અમરાપુર ગામમાં લગ્નપ્રસંગ યોજાયો હતો. જેમાં પોલીસની કોઈ પરમિશન લેવામાં આવી ન હતી. અને 300થી વધારે લોકો એકઠાં થયા હતા. અને અહીં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં નિયમોનાં ધજાગરા ઉડાવ્યા હતા. જે બાદ પોલીસને જાણ થતાં પોલીસે વરઘોડા પર રેડ પાડી હતી. અને વરરાજા, વરરાજાના પિતા, ફોટોગ્રાફર, ઘોડાચાલક, મંડપ સહિતનાં 17 લોકો સામે ફરિયાદ નોંધી હતી. અને ડીજે સહિતનો સામાન લઈ જવામાં આવ્યો હતો.

જો કે, મહિસાગરમાં પણ લગ્નપ્રસંગમાં નિયમ ભંગ બદલ પોલીસે કાર્યવાહી કરી હતી. ખાનપુરના ભાદરોડ ગામ પાસે લગ્નમાં જતાં જાનૈયાઓ ભરેલી બે ગાડી પોલીસે જપ્ત કરી હતી. એટલું જ નહીં પણ ગાઈડલાઈન ભંગ બદલ ડીજે પણ જપ્ત કર્યું હતું.

લગ્ન સમારંભોમાં 50થી વધારે લોકો હશે તો તેની સામે કાયદેસર કાર્યવાહી કરાશે

કોરોનાએ ચોતરફ હાહાકાર મચાવ્યો છે. આ કોરોનાના કેસોને નિયંત્રણમાં લાવવા માટે સરકારી તંત્ર તરફથી અથાગ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. છતાં કેસોમાં રોજેરોજ વધારો નોંધાતો જાય છે. ત્યારે આગામી લગ્નસરાની સીઝન શરૂ થવાની છે. ત્યારે આ લગ્ન સમારંભમાં ભીડ ભેગી ના થાય તે માટે સરકારે 50થી વધુ વ્યક્તિઓના ભેગા થવા સામે પ્રતિબંધ ફરમાવ્યો છે.

લગ્નમાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવશે

લગ્ન સમારંભ ગોઠવવા માટેના રજીસ્ટ્રેશન માટે રાજય સરકારનું જે પોર્ટલ છે તેની યાદી પણ પોલીસ દ્વારા મેળવવામાં આવશે. અને પોર્ટલ પરથી મળેલી યાદી પ્રમાણેના લગ્ન સમારંભમાં જરૂર પડયે સ્થાનિક પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરીને નિયત સંખ્યા કરતાં વધુ સંખ્યામાં લોકો હાજર છે કે નહીં તેની ચકાસણી કરશે.

રાજયમાં દરરોજ એસઓપી ભંગ બદલ નોંધાતા 15થી 17 હજાર કેસો

રાજયમાં કોવિડ 19 સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે રાજયમાં જુદા જુદા યુનિટો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. તેનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવે છે. રાજયના પોલીસ મહાનિર્દેશક દ્વારા જારી કરવામાં આવેલાં આકડાં મુજબ દરરોજ 15થી 17 હજાર કેસો નોંધવામાં આવે છે.

લગ્ન સમારંભ ગોઠવવા માટેના રજીસ્ટ્રેશન માટે સરકારના પોર્ટલ પરથી યાદી મેળવી લેશે

લગ્ન સમારંભમાં ભીડ ભેગી ના થાય તે માટે સરકારે 50થી વધુ વ્યક્તિઓના ભેગા થવા સામે પ્રતિબંધ ફરમાવ્યો છે. તેનો કડકાઇથી અમલ કરવા માટે રાજયના પોલીસ મહાનિર્દેશક ( DGP ) આશીષ ભાટીયાએ આદેશો જારી કરી દીધાં છે. તેના ભાગરૂપે જ પોલીસ લગ્ન સમારંભ ગોઠવવા માટેના રજીસ્ટ્રેશન માટે રાજય સરકારનું જે પોર્ટલ છે તેની યાદી મેળવીને સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરશે. જો 50થી વધુ વ્યક્તિઓની હાજરી લગ્ન સમારંભમાં જોવા મળી તો તેમની સામે ગુનો નોંધવામાં આવશે.

(9:17 pm IST)