Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

મિત્રોના આંતરિક ઝઘડા મોતનું કારણ બન્યું :રામોલ ડબલ મર્ડર કેસમાં હત્યારાની ધરપકડ

હત્યારો અશ્વિન અને મૃતક કલ્પેશ તેમજ રણજીત વર્ષો જૂના મિત્રો હતા: આરોપીનો મોબાઈલ ચેક કરતા ચોકાવનારા વીડિયો પણ સામે આવ્યા

અમદાવાદના રામોલ વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી જેમાં રામોલ પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડયો છે. હત્યારાની પૂછપરછ કરતાં તેણે પોલીસ સમક્ષ હત્યા કરવા પાછળના ચોકાવનારા ખુલાસાઓ કર્યા હતા અને આરોપીનો મોબાઈલ ચેક કરતા ચોકાવનારા વીડિયો પણ સામે આવ્યા હતા.ગુરુવારે રામોલની ન્યુ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં કલ્પેશ નામના યુવકની પોતાના જ ઘરમાં ધાબા પરથી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે પ્રાથમિક વિગતો મેળવી મૃતક કલ્પેશનાં જ પડોશમાં રહેતા હત્યારા આરોપીની ધરપકડ કરી હતી.

જોકે પોલીસ હત્યારા આરોપી અશ્વિન મરાઠીની પૂછપરછ શરૂ કરી હતી જેમાં આરોપી અશ્વિન પોતે એક કલ્પેશનું જ નહિ પણ અન્ય એક મિત્ર રણજીતની પણ હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે મૃતક કલ્પેશનાં ઘર સામે આવેલા ખુલ્લા ખેતરના મેદાન માંથી રણજીતનો મૃતદેહ પણ મળી આવ્યો. હત્યારા અશ્વિને બંને હત્યા કરી હોવાની કબુલાત કરી  અને ચાર દિવસ પહેલા કલ્પેશ  સાથે ઝઘડો થયો હોવાથી તેની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.

જેમાં આરોપીએ કબૂલ્યું કે સાહેબ મે એક નહિ બે મિત્રોની હત્યા કરી છે. હત્યારા અશ્વિને બંને મિત્રોની હત્યા બાદ પોતે ડાયલોગ બોલી તેના વીડિયો બનાવ્યા. કલ્પેશને કીધું હતુકે તને ઘરમાં ઘૂસીને મારીશ એટલે ડાયલોગ બોલ્યો કે ” મેને મારા કલપેશ કો મેને મારા..મે અશ્વિન મરાઠા…મેરે કો ચાકુ દિખાયા થા ના, ઘર મે ઘુસ કે મારા સાલે તેરે કો…અને રણજીત ને મારી કે ડાયલોગ બોલ્યો કે ” રણજીતને મારવા વાળો હું… મે 17 ઘા માર્યાને મર્ડર કર્યું…હું અશ્વિન મરાઠી…મને ઇસકો મારા..મર્ડર કિયા ઇસ્કા.

અશ્વિને કલપેશની હત્યા તો અગાઉના ઝઘડાને કારણે કરી હતી પણ રણજીતની હત્યાનું કારણ પણ બીજું જ હતું. અશ્વિન કલ્પેશની હત્યા કરશે એવું રણજીતને જણાવ્યું હતું અને રણજીતે આ વાત કલ્પેશને જણાવી હતી જેથી અશ્વિને રણજીતને કહ્યુકે તે હત્યાની વાત કલપેશને શા માટે કરી અને બાદમાં અશ્વિને રણજીતની પણ હત્યા કરી.

હત્યારા અશ્વિને બંને હત્યાની કબૂલાત તો આપી પણ પોલીસ તેનો મોબાઈલ તપાસતા વધુ ખુલાસાઓ પણ સામે આવ્યા. હત્યારા અશ્વિને કલ્પેશ અને રણજીતની હત્યા કર્યા બાદ બંનેનાં વીડિયો પણ બનાવ્યા હતા અને પોતે મરાઠા છે તેમજ ઘરમાં ઘૂસીને મારીશ તેવા ડાયલોગ સાથે આ વીડિયો બનાવ્યા હોવાનું મોબાઈલમાં મળી આવ્યો હતો.

રામોલ પોલીસે ગણત્રીની કલાકોમાં હત્યારા અશ્વિનને ઝડપી પડ્યો હતો. જોકે હત્યારો અશ્વિન અને મૃતક કલ્પેશ તેમજ રણજીત વર્ષો જૂના મિત્રો હતા. જોકે આ મિત્રો નશો કરવાની આદત વાળા હતા. જેમાં આ મિત્રોના આંતરિક ઝઘડા મોતનું કારણ  બન્યું  છે. પોલીસે અશ્વિનની ધરપકડ કરી આ હત્યામાં વધુ કોઈ સામેલ છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરી છે

(9:03 pm IST)