Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

પ્રકૃતિ નહીં બચે તો માનવ નહીં બચે : અમિતભાઇએ વૃક્ષારોપણ અભિયાન શરૂ કરાવ્યુ

નાગરિકોને સોસાયટીમાં વૃક્ષો વાવી અને તેને પાણી પીવડાવવાની જવાબદારી પણ નિભાવવા અપીલ

અમદાવાદ, તા. રર : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહની તેમના સંસદીય મતવિસ્તાર સિંધુભવન રોડ ખાતે વિશેષ રીતે બનાવાઈ રહેલા જંગલ સમાન વિસ્તારમાં વૃક્ષારોપણ કર્યું હતું. ૭૬૮૦ ચો.મી. જગ્યા પર ૨૫ હજાર વૃક્ષો ઉછેરાશે. આજના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં નવ જગ્યા પર છે. નોંધનીય છે કે, ગૃહમંત્રી શાહ ગુજરાતનાં બે દિવસનાં પ્રવાસે છે, પહેલા દિવસે ૨૧મીએ વેકિસનેશનને પ્રોત્સાહન આપવા માટેના એક કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. વૈષ્ણોદેવી સર્કલ અને ખોડિયાર ફ્લાયઓવરનું ૨૧મીએ ઉદઘાટન પણ કર્યું હતું.

આજનાં વર્ચ્યુઅલ કાર્યક્રમમાં શાહે પર્યાવરણનાં જતન માટે વૃક્ષો વાવવાનું અભિયાન શરૂ કરાવ્યું છે. આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે, કુદરતની સામે માણસ કાંઇ ન કરી શકે, પણ પુરુષાર્થ કરી શકે. વાવાઝોડાને કારણે અમદાવાદમાં પાંચ હજાર વૃક્ષો ધરાશાયી થઇ ગયા તેની સામે પાંચ લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક મૂકવું એ જ પુરષાર્થ છે. આ જ રસ્તો સાચો છે.

મારી અમદાવાદ વાસીઓને અપીલ છે કે, તમે વૃક્ષો વાવો જ છો, પાણી પીવડાવવો જ છો, જતન કરો છો તો એવું વૃક્ષ કેમ ન વાવીએ જેનું આયુષ્ય ત્રણ-ચાર પેઢી સુધી ઓકિસજન આપે. આવા વૃક્ષો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નર્સરી શરૂ કરી છે. તેમાં પીપડો, લીંબુ, વડ, જાંબુ જેવા વૃક્ષો છે. આવા વૃક્ષોને કારણે આપણને તો સારા પ્રમાણમાં ઓકિસજન મળે છે પરંતુ તેની સાથે પર્યાવરણનું પણ જતન થાય છે. પ્રકૃતિ નહીં બચે તો માનવ  નહીં બચે.

તેમણે વધુમાં અંગે જણાવ્યું કે, નાગરિકોને અપીલ કરું છું કે, આપણે સોસાયટીમાં વૃક્ષો વાવીએ અને તેને પાણી પીવડાવવાની જવાબદારી પાંચ જણને ન સોંપી ન શકીએ. આ સાથે તેમણે રસીકરણ વધારવા માટે પણ અપીલ કરતા જણાવ્યું કે, ભાજપનાં કાર્યકરો રસીકરણ માટે નેતૃત્વ લે અને દરેક લોકોને રસી મૂકાવવાની જવાબદારી લે.

(3:30 pm IST)