Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

કોંગ્રેસને પુનઃજીવત કરવા નેતાઓની બેઠકઃ એજન્ડા બનાવ્યા

રાજુ પરમાર, ભીખાભાઈ જોશી, સી.જે.ચાવડા, અમીબેન યાજ્ઞિક સહિતના નેતાઓની હાજરીમાં બેઠક ચાલુ : સાંસદો- ધારાસભ્યો- સિનિયર નેતાઓનો બેઠકોનો દોરઃ પ્રમુખ સહિતના હોદ્દેદારોની તાત્કાલીક ધોરણે નિમણુંક કરવા દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ રૂબરૂ રજુઆત કરાશે

રાજકોટઃ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સાવ તળીયે છે. સુશુપ્ત અવસ્થામાં પહોંચી ગયેલી કોંગ્રેસને ફરીથી બેઠુ કરવા હોદ્દેદારો, કાર્યકરોમાં ઉત્સાહ વધારવા સાંસદો, ધારાસભ્યો, સિનિયર નેતાઓની હાજરીમાં આજે પૂર્વ વિપક્ષના નેતા નરેશભાઈ રાવલના બંગલે બેઠકનો દોર ચાલી રહ્યો છે. આ બેઠકમાં વિવિધ એજન્ડા નકકી કરવામાં આવશે.

આધારભુત સુત્રોમાંથી મળતી વિગતો મુજબ નરેશભાઈ રાવલના નિવાસસ્થાને મળી રહેલ આ બેઠકમાં સર્વશ્રી રાજુ પરમાર (ધારાસભ્ય), શૈલેષ પરમાર, ભીખાભાઈ જોષી (ધારાસભ્ય), જગદીશભાઈ ઠાકોર પૂર્વ સાંસદ, સી.જે. ચાવડા (ધારાસભ્ય), અમીબેન યાજ્ઞીક (સાંસદ), હિંમતભાઈ પટેલ (ધારાસભ્ય), વિમલભાઈ શાહ (પ્રદેશ મહામંત્રી) અને મુર્તઝાખાન પઠાણ સહિતના કોંગ્રેસના સિનિયર નેતાઓ હાજર છે. આ લખાય છે ત્યારે આ બેઠક ચાલુ છે.આ બેઠકમાં ખાસ મુદ્દો કોંગ્રેસને ફરીથી બેઠી કરવાનો છે. જિલ્લા પંચાયત, કોર્પોરેશન, તાલુકા પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થતાં સુશુપ્ત અવસ્થામાં પક્ષ પહોંચી ગયો છે. ચૂંટણીઓમાં પરાજય બાદ પ્રદેશ પ્રમુખપદેથી અમિતભાઈ ચાવડા અને વિરોધપક્ષના નેતાપદેથી પરેશભાઈ ધાનાણીએ રાજીનામા ધરી દીધા હતા. તેની જગ્યાએ કોઈ નેતાની નિયુકિત કરવામાં આવી નથી. આ સહિત અન્ય પદાધિકારીઓની પણ નિમણુંક કરવા ટૂંક સમયમાં નેતાઓનું એક પ્રતિનિધી મંડળ દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ રજુઆત કરવા જનાર હોવાનું જાણવા મળે છે.

આ ઉપરાંત હોદ્દેદારો અને કાર્યકરોમાં પણ નિરૂત્સાહ જોવા મળે છે. કાર્યકરોમાં જોમ જુસ્સો વધારવા અંગે પણ આજની બેઠકના એજન્ડામાં ચર્ચા વિચારણા કરવામાં આવી રહી હોવાનું વિશ્વસનિય સુત્રોએ જણાવ્યું હતું. આ સિવાય આગામી ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. જેની તૈયારીઓના ભાગરૂપે કાર્યકરોમાં ઉત્સાહ વધારવા શું કરવું સહિતના મુદ્દાઓ અંગે પણ ચર્ચા- વિચારણા થઈ રહી હોવાનું જાણવા મળે છે.

(4:24 pm IST)