Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

આગામી અઠવાડીયામાં રાજ્યમાં વરસાદ ૫ડવાની સંભાવના હાલ નહિવત : હવામાન વિભાગ

વેધર વોચ ગ્રુપની ઓનલાઇન બેઠક યોજાઇ :રાજ્યમાં એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમ તૈનાત : પાંચ ટીમ ડિપ્લોય, ૧૦ રિઝર્વ :રાજ્યમાં મોસમનો અત્યાર સુધીમાં ૮૭.૩૦ મી.મી. વરસાદ નોંધાયો

અમદાવાદ : રાહત કમિશનર અને  સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર આજે તા.૨૨/૦૬/૨૦૨૧નાં રોજ યોજવામાં આવ્યો હતો.

રાહત કમિશનર પટેલે જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી રાજયમાં  ૧૨ જિલ્લાઓના ૨૩ તાલુકાઓમા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ૩૪ એમ.એમ  વરસાદ નોંધાયો છે. રાજયમાં મોસમનો અત્યાર સુધી તા.૨૨/૦૬/૨૦૨૧ અંતિત ૮૭.૩૦ મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મી  ની સરખામણીએ ૧૦.૩૮% છે.
IMD ના અઘિકારીએ જણાવ્યુ છે કે, ૧૯ જુન સુધીમાં ગુજરાતમાં તમામ  જિલ્લાઓમાં વરસાદ ૫ડ્યો છે. જયારે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, ગીર સોમનાથ, પોરબંદર અને જુનાગઢમાં પ્રમાણમાં વરસાદ ઓછો નોંધાયો છે. આગામી અઠવાડીયામાં રાજ્યમાં વરસાદ ૫ડવાની સંભાવના હાલ નહિવત છે.
કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે અંદાજીત ૬.૮૯૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૨૧/૦૬/૨૦૨૧ સુધીમાં થયુ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૧.૩૯૪ લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૮.૦૬% વાવેતર થવા પામ્યુ છે.
સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, સરદાર સરોવર જળાશયમાં ૧,૫૦,૬૨૭ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૫.૦૯ % છે. રાજયનાં ૨૦૬ જળાશયોમાં ૨,૦૬,૯૧૦  એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૩૭.૧૪ % છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ - ૦૪  જળાશય છે. જ્યારે એલર્ટ ૫ર એકપણ જળાશય નથી તેમજ વોર્નીગ ૫ર ૦૭ જળાશય છે.
એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમમાંથી ૫ ટીમો ડીપ્લોય કરી દેવામાં આવી છે જે પૈકી ૧-વલસાડ, ૧-સુરત, ૧-નવસારી, ૧-રાજકોટ, ૧-ગીર સોમનાથ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે જ્યારે ૮- ટીમ વડોદરા અને ૨ ટીમ ગાંઘીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે.  વઘુમાં એસ.ડી.આર.એફ, સી.ડબલ્યુ.સી., ઉર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, સિંચાઇ વિભાગ, જી.એસ.ડી.એમ.એ., જી.એસ.આર.ટી.સી તથા સરદાર સરોવર નિગમ લિ. ના અધિકારીઓ ઓનલાઇન મીટીગમાં જોડાયા હતા અને ચોમાસુ અંગે તમામ ૫રિસ્થિતિમાં ૫હોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાવ્યું હતુ.

(7:48 pm IST)