Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

પટેલ સમાજે કર્યું એની શું દશા થઈ? શું કરી લીધું? સરકારની સામે પડવું એ ખોટી વાત છે. હું ધારૂ તો એ હું પણ કરી શકુ. : પરસોતમભાઇ સોલંકી

માછીમારોના મસમોટું પેકેજ આપ્યું પણ અમલવારી થઈ નથી. માત્ર બધી વાતો થઈ રહી છે

અમદાવાદ :ગુજરાતમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડાએ રાજ્યના અનેક વિસ્તારમાં મોટું નુકસાન કર્યું છે. વડાપ્રધાન મોદીએ હવાઈ સર્વે કરી ગુજરાત રાજ્યને રૂ.1000 કરોડની મદદ કરી છે. આ મદદ સામે રાજ્યકક્ષા મંત્રી પરષોત્તમભાઈ  સોલંકીએ મોટું નિવેદન આપ્યું છે. તાઉતે વાવાઝોડામાં અમરેલીના જાફરાબાદ સહિતના અનેક વિસ્તારમાં મોટી તારાજી થઈ છે.

 પરષોત્તમ ભાઈ  સોલંકીએ કહ્યું કે, રાજ્યની ભાજપ સરકારે માછીમારોને વધારે કંઈ આપ્યું નથી. મસમોટું પેકેજ આપ્યું પણ અમલવારી થઈ નથી. માત્ર બધી વાતો થઈ રહી છે. ઝવેરભાઈ બિચારા અમારી બધી વાત માને છે પણ એ લાચાર છે. આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે પણ સરકાર કરે એ સાચું. માછીમારો માટે આ પેકેજ પૂરતું નથી.

સરકારે એમા વધારો કરવો જોઈએ. જવાહર ચાવડા અમારી બધી વાતને માને છે પણ તેઓ પણ લાચાર છે. બીજી તરફ કોળી સંમેલન કરવા મુદ્દે પરષોત્તમ સોલંકીએ કહ્યું હતું કે, જો હું એવું કરવા બેસું તો આખા ગુજરાતનો કોળી સમાજ ભેગો કરૂ.

આ તમામની તાકાત તોડી નાંખું. મારે એવું નથી કરવું. એવું કરવાથી આ પટેલ સમાજે કર્યું એની શું દશા થઈ? શું કરી લીધું? સરકારની સામે પડવું એ ખોટી વાત છે. હું ધારૂ તો એ હું પણ કરી શકુ. પણ એનો કોઈ મતલબ નથી. સરકારની સામે થવું એ ખોટું છે. એમનો ઈશારો આવું કહીને પટેલ સમાજ તરફનો રહ્યો છે. જોકે, નરેશ પટેલના નિવેદન બાદ જુદા જુદા સમાજમાંથી મુખ્યમંત્રી તરીકે પોતાના સમાજના આગેવાન હોય એવી ઘણી વાત સામે આવી હતી.

હવે કોળી સમાજને લઈને આ વાત ચર્ચામાં છે. જેમ જેમ ચૂંટણીનો માહોલ જામતો જાય છે એમ જુદા જુદા પદાધિકારીઓના નિવેદન સામે આવતા જાય છે. રાજ્યના રાજકારણમાં અનેક એવા મોરચે મોટી ઊથલપાથલ જોવા મળે છે. ભૂકંપ વખતે કેશુબાપાની અને પાટીદાર અનામત આંદોલન વખતે આનંદીબેન પટેલની ખુરશી ગઈ હતી. એવામાં આ પ્રકારના નિવેદન અનેક પાસાએથી રાજકીય સ્પર્શ આપી જાય છે. અલગ અલગ દ્રષ્ટિકોણથી રાજ્યમાં રાજકીય ચહલપહલ વધી રહી છે. ખાસ કરીને મોટા પદાધિકારીઓના નિવેદન બાદ અનેક મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ છે. .

(9:16 pm IST)