Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

સુરતમાં સીસોદીયા કરશે રોડ શો : વરાછાના મોટા માથાઓની થશે આપ માં એન્ટ્રી : મહેશ સવાણી પણ જોડાય તેવી શક્યતા

સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાંથી 6થી 7 મોટા માથાઓ આપની કંઠી બાંધશે : પાટીદાર અનામત આંદોલન સમિતિમાંથી ધાર્મિક માલવિયા, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અશોક જીરાવાલા સહિતના નામો ચર્ચામાં

સુરત :આમ આદમી પાર્ટીએ હવે ભાજપ સ્ટાઇલથી જ ગુજરાતમાં વિધાનસભાની તૈયારીઓ શરૂ કરી છે. ભાજપ અને કોંગ્રેસની દુભાયેલા ચહેરાઓને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે.આ અઠવાડિયામાં જ દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સુરત આવવાના છે. તેઓ એક રોડ શો કરશે અને સૌરાષ્ટ્રવાસી વિસ્તારોને કેટલાક મોટામાથા આપમાં જોડાશે. ખાસ કરીને માતા-પિતા વગરની હજારો દીકરીઓના લગ્ન કરાવાનાર મહેશ સવાણી પણ આપમાં જોડાય તેવી શક્યતા છે.

આપ સૂત્રોના જણાવ્યા અનુસાર આ અઠવાડિયે લગભગ ગુરુવારે મનીષ સિસોદિયાની સુરત મુલાકાત નક્કી કરવામાં આવી છે. તેઓ સુરત આવશે અને એક રોડ શો પણ કરશે, આ ઉપરાંત સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાંથી 6થી 7 મોટા માથાઓ આપની કંઠી બાંધશે.

પાટીદાર અનામત આંદોલન સમિતિમાંથી ધાર્મિક માલવિયા, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અશોક જીરાવાલા સહિતના નામો ચર્ચામાં છે. જોકે, આમ આદમી પાર્ટી તરફથી ભારે ગુપ્તતા જાળવવામાં આવી રહી છે કે કોણ કોણ લોકો જોડાશે. જોકે, સિસોદિયાના રોડ શોની તૈયારીઓ જોર શોરથી કરવામાં આવી રહી હોવાનું સૂત્રો જણાવે છે.

આ બધાની વચ્ચે સૌથી મોટુ નામ મહેશ સવાણીનું છે. મહેશ સવાણી કેટલાક સમયથી આપના સંપર્કમાં હોવાનું અને તેઓ સિસોદિયાની હાજરીમાં આપમાં જોડાઇ જશે તેવી ચર્ચાએ ખૂબ જોર પકડ્યું છે. આ અંગે મહેશ સવાણીને પૂછવામાં આવતા તેમણે કહ્યું કે હાલ કંઇ નક્કી કર્યું નથી. જોકે, તેમણે સ્પષ્ટ ના પાડી નથી. જોકે, બીજી બાજુ એવી વાત પણ આવે છે કે મહેશ સવાણીના સમર્થકોમાંથી ઘણા આપમાં જોડાઇ જશે પરંતુ સવાણી જોડાશે કે નહીં તે નક્કી નથી. કારણ કે તેઓ ભાજપથી ખૂબ નજીક છે. ગૃહપ્રધાન અમિતભાઈ  શાહનો સુરતમાં અભિવાદન કાર્યક્રમ પણ તેમણે જ યોજ્યો હતો જેમાં પાસ દ્વારા ધમાલ કરવામાં આવી હતી.

સુરત મહાનગરપાલિકીની ચૂંટણીઓમાં સૌરાષ્ટવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીને 27 બેઠકો પર જીત મળ્યા પછી પાર્ટીનું જાણે મુખ્ય મથક સુરત બની ગયુ છે. એટલે અહીં કાર્યકરો અને નેતાઓમાં પણ ભારે ઉત્સાહ છે. તેઓ સતત લોકોની વચ્ચે જઇને કામ પણ કરી રહ્યા છે. એટલે ભાજપ કોંગ્રેસમાંથી દુભાયેલા લોકો આપમાં આવી જાય તેવી શક્યતાઓ ઊભી થઇ છે.

આમ પણ વરાછા-કતારગામ જેવા સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં જ આમ આદમી પાર્ટીને પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકરોની મદદથી જીત મળી હતી. એટલે હવે પાસના કાર્યકરો પણ મોટા પ્રમાણમાં આપમાં જોડાઇ જશે. પાસના કાર્યકરોને જેણે ચૂંટણી વખતે સમર્થન કર્યું હોય તેવા પાટીદાર ઉદ્યોગપતિઓ પણ હાલ આડકતરી રીતે આપને સમર્થન કરી રહ્યા છે. જોકે, એક બાબત ધ્યાનમાં રાખવાની એ છે કે સુરત મહાનગરપાલિકામાં ભલે પાટીદાર અનામત આંદોલન વખતે કોંગ્રેસને અને હાલમાં આમ આદમી પાર્ટીને ફાયદો થયો હોય પરંતુ વિધાનસભાની તમામે તમામ બેઠકો ભાજપે જ અંકે કરી હતી. એટલે આ વખતે વિધાનસભામાં આમ આદમી પાર્ટીને કેટલો ફાયદો થાય તે જોવાનું રહ્યું.

(11:44 pm IST)