Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

મ્યુચ્યુઅલ ફંડોને સ્કીમની સાથે અન્ય પ્રોડક્ટસ વેચવા પર સેબીનો પ્રતિબંધ

હાલ મ્યુ. ફંડ સ્કીમની સાથે વીમો ઓફર કરીને વધારાનું રોકાણ કરાવતી હતી : બંડલ પ્રોડક્ટ સેલિંગ બેન એટલે કે કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ યોજના સાથે અન્ય કોઈ પ્રોડકટ અથવા ફાયદા આપવામાં આવશે નહીં

અમદાવાદ, તા.૨૧ : સિક્યોરિટીઝ રેગ્યુલેટરી બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)એ ભારતમાં મ્યુચ્યુઅલ ફંડોને સ્કીમની સાથે અન્ય પ્રોડક્ટો વેચવા પર પ્રતિબંધ લાદ્યો છે. સેબીએ મ્યુચ્યુઅલ ફંડ હાઉસોને વીમા પ્રોડક્ટો વેચવા પર પાબંદી લગાવી છે.મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ રોકાણકારોને લાંબા ગાળાનું રોકાણ કરવા માટે હાલ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની સાથે વીમો ઓફર કરીને વધારાનું રોકાણ કરાવતી હતી. જોકે સેબીએ કડકાઈ દર્શાવતા આ બંડલ પ્રોડક્ટ સેલિંગ પર પ્રતિબંધ મુક્યો છે. બંડલ પ્રોડક્ટ સેલિંગ બેન એટલેકે કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ યોજના સાથે અન્ય કોઈ પ્રોડકટ અથવા ફાયદા આપવામાં આવશે નહીં.

એક દાયકા કરતાં વધુ સમયથી મ્યુચ્યુઅલ ફંડ હાઉસ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ(એસઆઈપીએસ) સાથે બંડલ વીમો પણ ઓફર કરે છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં રિટર્ન તમારી ડિપોઝિટની રકમ અને રોકાણના કાર્યકાળ પર નિર્ભર કરે છે. આ સ્થિતિમાં ઘણા ફંડ હાઉસ આકર્ષક બંડલ પ્રોડકટોના બદલામાં ફંડના કાર્યકાળમાં ફેરફાર કરે છે. ફંડ્સ આ વધારાના લાભો ફક્ત તે જ લોકોને આપે છે જેઓ રોકાણ સમયગાળાની શરતમાં ફેરફાર સાથે સંમત થાય છે. સામાન્ય રીતે ૩ વર્ષમાં જમા રકમ એસઆઈપી રકમના ૧૦૦થી ૧૨૦ વધુ થઈ જાય છે.

કેટલાક ફંડ્સ ટાર્ગેટ સમ ઈન્શ્યોર્ડ રકમની ઓફર કરવા હતા જેનાથી ડેથ બેનિફિટ્સમાં ઘટાડો થતો હતો. મોટા ભાગના કિસ્સાઓમાં ઇક્વિટી અને હાઇબ્રિડ યોજનાઓમાં એસઆઈપી વીમા લાભો માટે પાત્ર હતા. જોકે આ વીમો રોકાણકારની ૫૫ વર્ષની ઉંમર, એસઆઈપી મેચ્યોરિટી અથવા એસઆઈપી રદ થવા પર સમાપ્ત થાય છે. ઘણા કિસ્સાઓમાં એસઆઈપી શરૂ કર્યા પછી તરત જ વીમો લાગુ કરવામાં આવતો હતો પરંતુ જો કોઈ રોકાણકાર એસઆઈપી શરૂ કર્યાના ૨ વર્ષની અંદર આત્મહત્યા કરે છે તો વીમો લાગુ થતો નથી. એસેટ મેનેજમેન્ટ કંપનીઓ જીવન વીમો પૂરો પાડવાનો ખર્ચ ઉઠાવતી હતી.

નિપ્પોન ઈન્ડિયા, એક્સિસ, ડીએસપી, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, આદિત્ય બિરલા ગ્રુપ, સનલાઈફ, પીજીઆઈએમ એસઆઈપી સાથે વીમા પોલિસી ઓફર કરે છે. જોકે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલે હવે આ સ્કીમ બંધ કરી દીધી છે.

હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ આ ઈન્શ્યોરન્સ અને અન્ય લાભના બંડલ પ્રોડકટો જેમને અગાઉ જ ઓફર કરવામાં આવી ચુક્યાં છે તેમણે પણ આ ઓર્ડર લાગુ થશે કે નહિ. સેબીના પ્રતિબંધનો આ આદેશ ૧૭ જૂને ઈશ્યુ કરવામાં આવ્યો હતો.

 

(7:45 pm IST)