Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

માહી ડેરી દ્વારા દૂધની ખરીદીનો કિલો ફેટનો ભાવ રૂા.૭૩૦ કરાયોઃ પશુપાલકોમાં હરખની હેલી

રાજકોટઃ માહી ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવાતા દૂધના ભાવમાં કિલો ફેટદીઠ રૂા.૧૦નો વધારો કરી કિલો ફેટના ભાવ રૂા.૭૩૦ કરી દેવાતા પશુપાલકોમાં આનંદ છવાઈ ગયો છે.
લીલા ચારાના ભાવ આસમાને પહોંચી ગયા છે તેની સાથે સાથે દાણ બનાવતી મોટાભાગની કંપનીઓ દાણની બેગના ભાવમાં પણ સમયાંતરે અસહય વધારો ઝીકી રહી છે અને તેના કારણે પશુ નિભાવણી ખર્ચમાં કમ્‍મરતોડ વધારો થયો છે. પશુપાલકોની આ સ્‍થિતિને ધ્‍યાને લઈને માહી ડેરીના નિયામક મંડળે દૂધ ઉત્‍પાદકોને ચૂકવાતા દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેતા ડેરીના દૂધ ઉત્‍પાદક સભ્‍યોમાં હરખની હેલી છવાઈ ગઈ છે. માહી ડેરી દ્વારા પશુપાલકોને હાલમાં દૂધના ચૂકવાતા કિલો ફેટદીઠ ભાવમાં રૂા.૧૦નો વધારો કરીને દૂધના કિલો ફેટદીઠ રૂા.૭૩૦ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. આ નવો ભાવ વધારો ૨૧ જુનથી અમલમાં આવ્‍યો છે. આ ભાવ વધારો માહી ડેરી દ્વારા સૌરાષ્‍ટ્ર- કચ્‍છના તમામ જિલ્લાઓના દૂધ ઉત્‍પાદક સદસ્‍યો માટે જાહેર કરવામાં આવ્‍યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે માહી ડેરી દ્વારા દૂધ ઉત્‍પાદક સદસ્‍યોના હિતને ધ્‍યાને લઈને છેલ્લા ત્રણ મહિના દરમિયાન સમયાંતરે દૂધના ખરીદ ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્‍યો છે. આ ઉપરાંત, દાણ બનાવતી અન્‍ય કંપનીઓ દાણના ભાવમાં વધારો કરતી રહી છે. ત્‍યારે માહી ડેરીએ માહી દાણના ભાવમાં એક રૂપિયાનો પણ વધારો ન કરીને તેના દૂધ ઉત્‍પાદક સદસ્‍યો તરફથી પ્રતિબધ્‍ધતા યથાવત રાખી પશુપાલકોને પોષણક્ષમ ભાવે જ માહી દાણ ઉપલબ્‍ધ કરાવ્‍યું હોવાનું જણાવાયું છે.

 

(10:40 am IST)