Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

મિલ્કતની જપ્તીના ૨૪૨૯ કેસો જીલ્લા મેજીસ્ટ્રેટો પાસે પેન્ડીંગ

બેંકોના ૧૧૫૭ કરોડ રૂપિયા આ કેસોમાં ફસાયા છે

અમદાવાદ, તા.૨૨: ગુજરાતમાં સીકયુરીટાઇઝેસન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાઇનાન્સીયલ એસેટસ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સીકયોરીટીઝ ઇન્ટરેસ્ટ (એસએઆરએફએઇએસઆઇ) એકટ હેઠળ સંપતિની જપ્તી દ્વારા પોતાના નાણા પાછા મેળવવાની ઇચ્છા રાખતી બેંકોના કેસો જીલ્લા મેજીસ્ટ્રેટો પાસે પેન્ડીંગ પડયા છે.રાજયકક્ષાની બેંકર્સ (એસએલબીસી) કમિટી દ્વારા તૈયાર કરાયેલ એક તાજા રિપોર્ટ અનુસાર, બેંકો દ્વારા સંપતિની જપ્તીના ૨૪૨૯ કેસો અત્યારે પેન્ડીંગ છે જેના લીધે બેંકોની ૧૧૫૭ કરોડની રીકવરી અત્યારે અટવાયેલી છે.એસએલબીસીના ઉચ્ચ સૂત્રોએ કહ્યું કે આ કેસોમાં પેન્ડન્સી જીલ્લા મેજીસ્ટ્રેટ કચેરીઓએ વધારે છે. ડીફોલ્ટર્સની સંપતિ જપ્ત કરવાનો ઓર્ડર બેંકને મળ્યા પછી જીલ્લા મેજીસ્ટ્રેટની પરવાનગી લેવી પડે છે. ત્યાર પછી પોલીસ પ્રોટેકશન માંગવામાં આવે છે. પહેલા તો બેંકોને પરવાનગી ૩૦ દિવસમાં મળી જતી હતી પણ હવે તેમાં સમયગાળો વધી ગયો છે. રસપ્રદ છે કે રૂપિયા ૮૭૫ કોરડની બાકી રીકવરીની ૧૭૨૩ અરજીઓને ૬૦ થી વધારે દિવસ થઇ ગયા છે.

અન્ય એક સૂત્રએ કહ્યું કે બેડ લોનનો બોજ જયારે વધી રહ્યો છે ત્યારે આના કારણે બેંકોની રીકવરી પ્રોસેસમાં અડચણ આવે છે. એલએલબીસીના રીપોર્ટ અનુસાર, છેલ્લા ત્રિમાસીકમાં ૨૬૧ અરજીઓ કરાઇ હતી. ૬૨૩ કેસમાં જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ઓર્ડરો અપાઇ ગયા છે પણ સંપતિ બેંકને હજુ સુધી સોંપાઇ નથી. આ કેસોમાં રૂપિયા ૪૦૮ કરોડ અટવાયેલા છે.

જીલ્લાવાર પેન્ડીંગ કેસોની સંખ્યા જોઇએ તો અમદાવાદ (૨૨૩), સુરત (૮૩૧), વડોદરા (૪૯૧), રાજકોટ (૧૫૪) અને વલસાડ (૧૩૭) સામેલ છે.

એસએલબીસીના સુત્રોએ કહ્યું કે આ બાબતે રાજય સરકારને રજૂઆત કરવામાં આવી છે. રાજયના નાણા વિભાગને વિનંતી કરાઇ છે કે આવી અરજીઓનો ૬૦ દિવસમાં નિકાલ કરવા માટે જીલ્લા મેજીસ્ટ્રેટોને કહેવામાં આવે અને સંપતિઓનું પઝેશન સંબંધિત બેંકને સોંપવામાં આવે.

(12:07 pm IST)