Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ભૂપેન્દ્રભાઈ પટેલની ત્વરિત નિર્ણાયકતાનું વધુ એક દ્રષ્ટાંત : મુખ્યમંત્રીએ તા. ૧૯મી મે એ માણસામાં યોજેલી જિલ્લા અધિકારીઓ-પદાધિકારીઓની બેઠકમાં થયેલી લોકહિત રજુઆતનો ત્વરિત સાનૂકુળ પ્રતિસાદ આપ્યો : બાલવા-માણસા માર્ગને ફોર લેન કરવાના કામો માટે ૪૦ કરોડ રૂપિયાની દરખાસ્ત માત્ર ૧ જ મહિનાના ટુંકાગાળામાં મંજૂર કરી

બાલવા-માણસા માર્ગના ફોર લેન થવાથી ગાંધીનગર જિલ્લાના ૬ ગામોના ર લાખ ૩૦ હજાર જેટલા ગ્રામજનોને અવર-જવર માટે વધુ સુવિધા સભર રોડનો આવનારા ભવિષ્યમાં લાભ મળશે

રાજકોટ તા.૨૨ : *મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાની ત્વરિત નિર્ણાયકતાનો વધુ એક પરિચય આપતાં ખૂબ જ ઝડપી નિર્ણય લઇને બાલવા-માણસા રોડને ફોર લેન કરવા માટેની ૪૦ કરોડ રૂપિયાની દરખાસ્તને માત્ર ૧ જ મહિનાના ટુંકા સમયગાળામાં મંજૂરી આપી છે.

     મુખ્યમંત્રીશ્રીએ આ માર્ગને ફોરલેન કરવાના કામો માટેની આપેલી મંજૂરીને પરિણામે ગાંધીનગર જિલ્લાના ૬ ગામોની અંદાજે ર લાખ ૩૧ હજાર જનસંખ્યાને ભવિષ્યમાં અવર-જવર માટે વધુ સુવિધાસભર માર્ગ મળશે.

     એટલું જ નહિ, મહેસાણા જિલ્લાના તેમજ માણસાથી વિહાર, કડા, કુકરવાડા અને વિજાપૂર વચ્ચે આવતા ગામોને પણ આ ફોરલેન રોડનો લાભ આવનારા દિવસોમાં મળશે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના જિલ્લા-તાલુકાઓનો વ્યાપક પ્રવાસ કરીને સ્થાનિક પ્રશ્નો, વિકાસ કામોની, રજુઆતો અંગે પદાધિકારીઓ-અધિકારીઓ સાથે બેઠકો યોજવાનો ઉપક્રમ અપનાવ્યો છે.

      મુખ્યમંત્રીશ્રી આ સંદર્ભમાં ગત તા.૧૯ મી મે એ માણસાની મુલાકાતે હતા અને ત્યાં તેમણે અધિકારીઓ-પદાધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં આ બાલવા-ગાંધીનગર માર્ગને ૧૦ મીટર માર્ગથી ફોરલેન કરવા અંગેની રજુઆતો મળી હતી.

       મુખ્યમંત્રીશ્રીએ આ લોકહિત રજુઆતોનો ત્વરિત સકારાત્મક પ્રતિસાદ આપતાં માર્ગ-મકાન વિભાગને બાલવા-માણસા માર્ગને ફોરલેન કરવાની કામગીરી હાથ ધરવા સૂચનાઓ આપી હતી. આ હેતુસર માર્ગ-મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂ થયેલી રૂ. ૪૦ કરોડના કામોની દરખાસ્તને તેમણે મંજૂરી આપી છે. 

મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં રાજ્ય સરકારના વિભાગોએ જનહિતકારી વિકાસ કામો સમયમર્યાદામાં  સત્વરે હાથ ધરવાની જે કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે તેને આ બાલવા-માણસા માર્ગને ફોરલેન કરવાની મંજૂરીથી વધુ બળ મળશે.

(2:18 pm IST)