Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

કામધેનુ યુનિવર્સિટીનો આઠમો પદવીદાન સમારોહ તા. ૨૪ ના ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને યોજાશે : સ્નાતક કક્ષાના ૫૧૪, અનુસ્નાતક કક્ષાના ૧૪૫ તથા પીએચડીના ૧૪ વિદ્યાર્થીઓ મળી કુલ ૬૭૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે

ભારત સરકારના મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી ડૉ. સંજીવ કુમાર બાલિયાન , ગુજરાત રાજ્યના કૃષિ પશુપાલન અને ગૌ-સંવર્ધન વિભાગ મંત્રી રાઘવજીભાઈ પટેલ વિદ્યાર્થીઓને પ્રેરક માર્ગદર્શન આપશે

રાજકોટ તા.૨૨ : રાજ્ય સરકાર સંચાલિત કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરનો આઠમો પદવીદાન સમારોહ આગામી તા.૨૪/૦૬/૨૦૨૨ના સવારે ૧૧:૦૦ કલાકે, નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને કુલાધિપતિ  આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ભારત સરકારના મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી  ડૉ. સંજીવ કુમાર બાલિયાન ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન આપશે. તેમજ અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્યના કૃષિ પશુપાલન અને ગૌ-સંવર્ધન વિભાગ મંત્રી  રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરક માર્ગદર્શન આપશે એમ કામધેનુ યુનિવર્સિટી દ્વારા જણાવવામાં આવ્યું છે.  

આ પદવીદાન સમારંભમાં કામધેનુ યુનિવર્સિટીના સ્નાતક કક્ષાના ૫૧૪, અનુસ્નાતક કક્ષાના ૧૪૫ તથા  પીએચડીના ૧૪ વિદ્યાર્થીઓ મળી કુલ ૬૭૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. જે પૈકી ૩ વિદ્યાર્થીનીઓને કુલાધિપતિ ગોલ્ડ મેડલ-અનુસ્નાતક કક્ષાના અભ્યાસ માટે, ૯ વિદ્યાર્થીઓને કુલપતિ ગોલ્ડ મેડલ-સ્નાતક કક્ષાના અભ્યાસ માટે તથા ૬ સ્નાતકના વિદ્યાર્થીઓને દાતાશ્રીઓ તરફથી ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ એનાયત કરવામાં આવશે. આ સમારંભમાં રાજ્યની અન્ય યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની પણ પ્રેરક  ઉપસ્થિતિ રહેશે.

(4:22 pm IST)