Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

નેત્રંગના કેલ્વીકુવા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાંમહિલા બુટલેગરની પુત્રીએ ફીનાઇલ ગટગટાવતા ચકચાર

ઘરમાંથી 74 નંગ દારૂની બોટલ, રોકડા અને મોબાઈલ મળી ₹20 હાજરનો મુદ્દામાલ જપ્ત: કાકી-ભત્રીજાની ધરપકડ માલ મોકલનાર કંબોડીયાનો સપ્લાયર વોન્ટેડ: દરોડામાં મહિલા બુટલેગર અને તેની દીકરીએ પોલીસને તપાસ અટકાવવા હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો

નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં મહિલા બુટલેગર અને તેની દીકરીએ પોલીસના ખાખા ખોળા અને તપાસ અટકાવવા હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો હતો.

કેળવીકુવાની નવી વસાહતમાં રહેતી મહિલા બુટલેગર રમીલાબેન વસાવા દારૂનો વેપલો કરતી હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડ્યો હતો. મહિલાના ઘર અને બાજુમાં આવેલા જુના ઘરમાંથી વિવિધ સ્થળે સંતાડેલ દારૂ અને બિયરની 74 બોટલ મળી આવી હતી. જુના મકાનમાં રસોડામાં ખાડો ખોડી મહિલાએ માટલામાં બોટલો સંતાડી રાખી હતી.

સ્ટેટ મોનીટરીંગ સેલે ₹12 હજારનો દારૂ, મોબાઈલ અને રોકડા મળી કુલ રૂપિયા 20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ મહિલા બુટલેગર રમીલાબેન અને તેના ભત્રીજા રિતેશ વસાવાની ધરપકડ કરી કબોડીયા ગામે થી બાઇક ઉપર એક વર્ષથી મહિલાને દારૂ આપી જનાર પ્રેમ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો.

દરોડા દરમિયાન મહિલા અને તેની દિકરીઓએ બુમરાણ મચાવી દીધી હતી. એક પુત્રી પ્રિયા ફીનાઇલ પી જતા સ્ટેટ મોનીટરીંગ સેલે અડધેથી દરોડાની કામગીરી અટકાવી ફીનાઇલ પી જનારી યુવતીને 108 માં સારવાર અર્થે ખસેડી વધુ તપાસ આટોપી લેવાનો વારો આવ્યો હતો. દરમિયાન મહિલાએ કોંગી કાર્યકર મોસીન પઠાણને પણ ઘરે બોલાવી લઈ દરોડા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

મહિલા બુટલેગર રમીલા છેલ્લા એક વર્ષથી દારૂનો વેપલો કરતી હોવાનું જણાવ્યું હતું. બાજુમાં આવેલા પોતાના જુના ઘરે ભત્રીજા રિતેશને રાખી વેચાણ કરાવતી હતી. જે માટે ભત્રીજાને બે ટાઈમ જમવાનું પૂરું પાડતી હોવાની કેફિયત દરોડા વેળા વ્યક્ત કરી હતી.

(7:12 pm IST)